લંડનઃ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ (RBS)ને વ્યાજ દરમાં અદલાબદલના કથિત ખોટા વેચાણના કારણે નુકસાનના વળતર તરીકે કેર હોમ્સ પ્રોવાઈડર વેસ્ટગેટ હેલ્થકેરને આશરે ૧૦ મિલિયન પાઉન્ડ આપવાની ફરજ પડી છે. વેસ્ટગેટ હેલ્થકેર આઠ કેર હોમ્સની માલિકી ધરાવે છે, તેને બિઝનેસ વધારવો હોવાથી RBS પાસેથી લોન લીધી હતી. બેન્કે ઈન્ટરેસ્ટ રેટ-હેજિંગ પ્રોડક્ટ્સ એટેચ કરીને ઊંચી ફી વસૂલ કરી હતી અને ૨૦૦૮માંબેન્કે ૨૦ વર્ષીય વિનિમય ઉમેરતાં કુલ લોનની રકમ ૧૮ મિલિયન પાઉન્ડ થઈ હતી.
કંપનીએ ઓગસ્ટ ૨૦૧૪ સુધીમાં RBSને ૬.૫ મિલિયન પાઉન્ડ સ્વેપ ફી ચૂકવી હતી અને ૨૦૨૮ સુધી તે લોક-ઈનમાં આવી ગઈ હતી. વેસ્ટગેટે RBSવિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરી ૩૦ મિલિયન પાઉન્ડથી વધુના નુકસાન વળતરની માગણી કરી હતી. બેન્કે ફરિયાદના ત્રણ વર્ષ પછી તાજેતરમાં કોર્ટ બહાર સમાધાન કરી લીધું હતું અને પોતાની જવાબદારી સ્વીકાર્યા વિના આશરે ૧૦ મિલિયન પાઉન્ડ ચુકવ્યાં હોવાનું કહેવાય છે. RBSવિરુદ્ધ માત્ર આ કેસ નથી, આવા ૪૦ જેટલા કેસનો તે સામનો કરી રહી છે. જોકે, બેન્ક કોઈ ટીપ્પણી કરવા તૈયાર નથી.
અંદાજે ૧૫ મિલિયન પાઉન્ડની રેવન્યુ સાથે વેસ્ટગેટ હેલ્થકેર ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા ૨૦૧૨માં સ્થાપિત કોમ્પેન્સેશન સ્કીમ માટે પાત્ર ન હતી. FCA દ્વારા નવ બેન્કોએ ૩૦,૦૦૦ ફર્મ્સને વેચેલી પ્રોડક્ટ્સની સમીક્ષા થઈ હતી. જોકે, ૧૦,૦૦૦ પેઢીને અતિ વિકસિત કક્ષામાં ગણી બાકાત કરાઈ હતી.