અમદાવાદના અચલ બકેરી ‘ફોર્બ્સ’ના બિલિયોનેર લિસ્ટમાં

Saturday 07th March 2015 06:37 EST
 
 

અમદાવાદઃ વિશ્વમાં સૌથી મોટા એર કૂલર ઉત્પાદક તરીકે ખ્યાતનામ સિમ્ફની લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અચલ બકેરીએ પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’ દ્વારા તૈયાર થતી બિલિયોનેરની યાદીમાં સ્થાન મેળવ્યું છે.
અમદાવાદ સ્થિત સિમ્ફની લિમિટેડના શેરોમાં તીવ્ર તેજીના પગલે અચલ બકેરીની નેટવર્થમાં ઉછાળો આવતાં તેઓ યાદીમાં સ્થાન પામ્યા છે. ૪ માર્ચ, ૨૦૧૫ની સ્થિતિએ અચલ બકેરીની નેટવર્થ એક બિલિયન ડોલર હતી અને ‘ફોર્બ્સ’ની યાદીમાં તેમનો ક્રમ ૧૭૧૨ છે. અચલ બકેરીએ એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું, ‘આ સિદ્ધિ મેળવવાનું લક્ષ્ય ક્યારેય રાખ્યું નહોતું, પરંતુ હું તેનાથી ખુશ નથી એવું પણ નથી. જોકે, એ પણ સમજવું જોઈએ કે છેવટે તો આ પેપર-વેલ્થ છે. આ સિદ્ધિ કંપની માટે લાભદાયક રહેશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તે પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જ્યારે પણ અમે સંભવિત સપ્લાયર્સ, ગ્રાહકો કે બિઝનેસ પાર્ટનર્સને મળીશું ત્યારે આ સન્માન ઉપયોગી નીવડશે.’
‘ફોર્બ્સ’ના રિપોર્ટમાં જણાવાયું છે કે, ‘ભારતના પ્રોપર્ટી ક્ષેત્રના અગ્રણીના પુત્ર અચલ બકેરી ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટમાં પ્રથમ વખત સ્થાન મેળવે છે, કારણ કે વિશ્વની સૌથી મોટી એર કૂલર ઉત્પાદક એવી તેમની કંપની સિમ્ફનીના શેર નવી ઊંચાઈએ છે. ૧૯૮૮ માં તેમણે પિતા પાસેથી ૧૫૦૦ ડોલર ઉધાર લઈને અમદાવાદમાં તેઓ જેને 'સામાન્ય માણસનું એર કન્ડિશનર' ગણાવે છે તે બનાવવા માટે કંપની સ્થાપી હતી. ૧૯૯૪માં કંપનીનું શેરબજાર પર લિસ્ટિંગ થયું હતું. એક તબક્કે, ૨૦૦૨માં કંપની લગભગ નાદારીના આરે પહોંચી ગઇ હતી. આ પછી અચલ બકેરીએ એર કૂલર્સ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું અને ઇન્ડસ્ટ્રિયલ કૂલર્સનું ઉત્પાદન કરતી મેક્સિકન કંપનીને ખરીદી હતી. આજે તેઓ નોર્થ અમેરિકાના બજાર સુધી પહોંચ ધરાવે છે. આજે સિમ્ફની વૈશ્વિક બજારમાં વાર્ષિક ૧૦ લાખ જેટલા એર કૂલર્સનું વેચાણ કરે છે, જે ભારતમાં ૧૦ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા બનાવાય છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter