કોલકતા, આણંદઃ સમગ્ર એશિયામાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતું અમુલ દૂધના ઉત્પાદનમાં વધારો કરવા અને નવી મિલ્ક પ્રોસેસિંગ ક્ષમતા વિકસાવવા માટે આગામી ત્રણ વર્ષ દરમિયાન રૂ. ૫૦૦૦ કરોડનું રોકાણ કરશે. આ અંગે માહિતી આપતાં જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. સોઢીએ જણાવ્યું હતું કે નવી ક્ષમતા વિકસાવવા તથા વર્તમાન સુવિધાઓને વધુ અસરકારક બનાવવા માટે અમારે આગામી ત્રણ વર્ષમાં રૂ. ૫૦૦૦ કરોડની આવશ્યકતા રહેશે.
તેમણે કહ્યું હતું કે કંપની આગામી સમયમાં દેશભરમાં કુલ ૧૦ નવા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ્સની સ્થાપના કરશે. આ ઉપરાંત વર્તમાન પ્લાન્ટ્સને આધુનિક બનાવીને વર્તમાન ૨૩૦ લાખ લિટરની પ્રોસેસિંગ કેપેસિટીને વધારીને ૩૨૦ લાખ લિટર સુધી લઈ જવાની યોજના ધરાવે છે. આ નવા રોકાણ દ્વારા આગામી બેથી ત્રણ વર્ષમાં રૂ. ૫૦ હજાર કરોડના ટર્નઓવરના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે. માર્ચ-૨૦૧૪માં અમુલનું ટર્નઓવર રૂ. ૧૮,૦૦૦ કરોડ હતું.
ઉલ્લેખનીય છે કે આ ૧૦ પ્લાન્ટ્સ પૈકી પાંચ પ્લાન્ટ્સ ગુજરાતમાં સ્થાપવામાં આવશે. જ્યારે બાકીના પાંચ ફરિદાબાદ, કાનપુર, લખનૌ, વારાણસી તથા કોલકતામાં સ્થપાશે.
હાલમાં અમુલ ગુજરાતમાં ૪૧ સાથે દેશભરમાં કુલ ૫૧ પ્લાન્ટ્સ ધરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષ (૨૦૧૪-૧૫) દરમિયાન કંપનીની આવક રૂ. ૨૧,૦૦૦ કરોડને આંબી જશે તેવી શક્યતા છે.