બેંગ્લૂરુઃ ભારતની આઇટી જાયન્ટ ઈન્ફોસિસે ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો પ્રારંભ ‘સરપ્રાઈઝ’ સાથે કર્યો છે. કંપનીએ મંગળવારે જાહેર કરેલા પરિણામોમાં, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અંદાજ કરતાં સારી કામગીરી દર્શાવી છે. એટલું જ નહીં, તેણે વાર્ષિક ગાઈડન્સમાં પણ વધારો કર્યો છે. બજાર નિષ્ણાતોના મતે સીઈઓ વિશાલ સિક્કાની ‘રિન્યૂ એન્ડ ન્યૂ’ સ્ટ્રેટેજીનું ફળ મળવાની શરૂઆત થઈ હોવાની આશા વધી છે.
ઈન્ફોસિસની ત્રિમાસિક આવકમાં જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરની તુલનામાં ૪.૫ ટકાનો વધારો નોંધાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઝડપી વધારો છે. આ ઉપરાંત કંપનીએ બે વર્ષમાં પહેલી વખત નજીકની હરીફ ટીસીએસ કરતાં ત્રિમાસિક આવકમાં ઝડપી વધારો નોંધાવ્યો છે. કંપનીએ મંગળવારે જાહેર કરેલા પરિણામોમાં ડોલરની આવકવૃદ્ધિનો અંદાજ એક ટકો વધારીને ૭.૨-૯.૨ ટકા કર્યો હતો. જ્યારે રૂપિયામાં ૧૦-૧૨ ટકાની આવકવૃદ્ધિનો અંદાજ યથાવત્ રાખ્યો હતો. નોંધનીય છે કે નાસ્કોમને આઈટી ઉદ્યોગની વૃદ્ધિ ચાલુ વર્ષે ૧૨-૧૪ ટકા રહેવાનો અંદાજ છે.
ઈન્ફોસિસના સીઈઓ તરીકે ટૂંક સમયમાં એક વર્ષ પૂરું કરનારા વિશાલ સિક્કાએ જણાવ્યું હતું કે, ‘ત્રિમાસિક ગાળો બહુ સારો રહ્યો છે. નેકસ્ટ જનરેશન કંપની બનવાની સફરની હજુ તો આ શરૂઆત છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ ક્વાર્ટરે અમને ખુશ થવાની તક આપી છે અને અમારો વિશ્વાસ વધ્યો છે.’ સિક્કાના મતે કંપની આગામી વર્ષના મધ્ય ભાગ સુધીમાં આઈટી ઉદ્યોગમાં સૌથી વધુ વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની યોજના ધરાવે છે.
ઈન્ફોસિસે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પાંચ ટકાની વૃદ્ધિ સાથે કોન્સોલિડેટેડ ધોરણે રૂ. ૩,૦૩૦ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. ૨,૮૮૬ કરોડ હતો. સમાન ગાળામાં કોન્સોલિડેટેડ આવક અગાઉના રૂ. ૧૨,૭૭૦ કરોડથી ૧૨.૪ ટકા વધીને રૂ. ૧૪,૩૫૪ કરોડ રહી છે.
કંપનીએ ડોલરની રીતે ૪૭.૬ કરોડ ડોલરનો ચોખ્ખો નફો કર્યો છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ૪૮.૨ કરોડ ડોલર હતો. આવક વધીને ૨.૨૬ અબજ ડોલર થઈ છે. પરિણામથી ખુશ ઈન્ફોસિસનો શેર એનએસઈ પર મંગળવારે ૧૧.૫ ટકા વધીને રૂ. ૧,૧૧૬.૩૫ના મથાળે બંધ રહ્યો હતો.