કોલકતાઃ ભારતના એફએમસીજી ક્ષેત્રની ટોચની કંપની ઇમામીએ હિમાચલ પ્રદેશની એસબીએસ બાયોટેકની માલિકીની ‘કેશ કિંગ’ બ્રાન્ડ હસ્તગત કરી છે. મંગળવારે રૂ. ૧૬૫૧ કરોડમાં થયેલો આ સોદો એફએમસીજી સેક્ટરનો છેલ્લા પાંચ વર્ષનો સૌથી મોટો સોદો છે.
ઇમામી કરતાં આઠમા ભાગની ‘કેશ કિંગ’ બ્રાન્ડનું મૂલ્ય વેચાણની તુલનામાં ૫.૫ ગણું આંકવામાં આવ્યું છે. ગયા નાણાકીય વર્ષમાં ‘કેશ કિંગ’નું વેચાણ રૂ. ૨૦૩૦ કરોડ હતું. એફએમસીજી સેગમેન્ટમાં અગાઉની મોટી ડીલ ૨૦૧૦માં નોંધાઇ હતી. એ વખતે રેકિટ બેન્કિસરે પારસ ફાર્માને રૂ. ૩૨૬૦ કરોડમાં ખરીદી હતી. ઇમામીએ જણાવ્યું હતું કે, આ સોદામાં ‘કેશ કિંગ’ના હેર ઓઇલ, શેમ્પૂ અને આયુર્વેદિક કેપ્સ્યુલ સહિતની પ્રોડક્ટસનો સમાવેશ થાય છે.
ઇમામીના સીઈઓ એન. એચ. ભણશાળીના જણાવ્યા પ્રમાણે, ‘એક્વિઝિશનનું ફન્ડિંગ વધારાના ભંડોળ તેમ જ ટૂંકા અને લાંબા ગાળાના ઋણ દ્વારા કરાશે. સમગ્ર પ્રક્રિયા એક મહિનામાં પૂરી કરાશે. ૩૧ માર્ચે, ૨૦૧૫ સુધીમાં ઇમામીનું સરપ્લસ ફંડ લગભગ રૂ. ૮૦૦ કરોડ હતું.’ તેમણે જણાવ્યું હતું કે, ‘સોદો ઘણો મોટો છે, પરંતુ મૂલ્ય વાજબી છે. હસ્તગત કરાયેલા પોર્ટફોલિયોનું માર્જીન અમારા વર્તમાન પોર્ટફોલિયો કરતાં વધુ છે.’
એડલવાઇઝ સિક્યોરિટીસના એસોસિયેટ ડિરેક્ટર અવનીશ રોયે જણાવ્યું હતું કે, ‘કેશ કિંગનું ગ્રોસ માર્જિન લગભગ ૭૦-૭૫ ટકા છે અને કુલ વેચાણમાં હેર ઓઇલનો હિસ્સો ૮૦ ટકા છે. જ્યારે શેમ્પુનું યોગદાન ૧૫ ટકા છે.’
એક અહેવાલમાં જણાવાયું હતું કે ડાબર, મેરિકો, અને બજાજ કોર્પોરેશન પણ ‘કેશ કિંગ’ને ખરીદવામાં રસ ધરાવતા હતા, પરંતુ ઊંચા વેલ્યુએશનને કારણે ખસી ગયા હતા.
અલબત્ત, એક સમયે ઇમામીએ પણ ટેકઓવરનો વિચાર પડતો મૂક્યો હતો. જોકે, તાજેતરમાં એસબીએસ બાયોટેકના પ્રમોટર સંજીવ જુનેજા રૂ. ૨૦૦૦ કરોડની મૂળ ઓફર ઘટાડવા માટે તૈયાર થયા હતા. આ પછી સોદો શક્ય બન્યો હતો. જોકે એક અગ્રણી એફએમસીજી કંપનીના વડાએ જણાવ્યું હતું કે, ‘હેર ઓઇલ કેટેગરીમાં અત્યારે ખાસ વૃદ્ધિ નથી ત્યારે વેચાણના પાંચ ગણા મૂલ્યમાં બ્રાન્ડની ખરીદી યોગ્ય જણાતી નથી.’