નવી દિલ્હી: ઈન્ડિગો એરલાઇને સોમવારે જાહેરાત કરી છે કે તેણે એકસાથે 500 એરબસ એ320નો ઓર્ડર આપીને ઈતિહાસ રચ્યો છે. ઈન્ડિગોની પેરન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિયેશનને સોમવારે કંપનીના બોર્ડ તરફથી આ ખરીદી માટે મંજૂરી મળી ગઇ છે. એવિયેશન ઉદ્યોગમાં તાતા જૂથના પ્રવેશ બાદ સ્પર્ધામાં વધારો થયા બાદ ભારતની સૌથી મોટી એરલાઇને જંગી વિસ્તરણ હાથ ધર્યું છે.
તાજેતરમાં પ્રસિદ્ધ થયેલી એરબસની કિંમત અનુસાર ગણતરી કરીએ તો આ મહાકાય સોદો અંદાજે 50 બિલિયન અમેરિકન ડોલર એટલે કે 40 લાખ કરોડ રૂપિયાનો હશે. નોંધનીય છે કે એપ્રિલ 2023ની સ્થિતિએ ઈન્ડિગો ભારતીય એવિયેશન માર્કેટમાં 57.5 ટકા હિસ્સા સાથે આધિપત્ય ધરાવે છે.
એક નિવેદનમાં ઈન્ડિગો એરલાઇને આ ઓર્ડરને કોઇ પણ એરલાઇન દ્વારા એરબસની અત્યાર સુધીની સૌથી મોટી ખરીદી તરીકે ગણાવ્યો હતો અને માહિતી આપી હતી કે 2030થી 2035 સુધીમાં આ વિમાનોની ડિલિવરી મળવાની અપેક્ષા છે.
એર ઇન્ડિયાનો રેકોર્ડ તોડ્યો
ઈન્ડિગો આ મહાકાય ઓર્ડર સાથે એર ઈન્ડિયાના રેકોર્ડને તોડીને એરબસ વિમાનોની સૌથી મોટી ખરીદી કરનારી કંપની બની છે. નોંધનીય છે કે ગયા માર્ચ મહિનામાં એર ઇન્ડિયાએ 470 વિમાનોનો ઓર્ડર આપવાનો નિર્ણય કર્યો હતો. આ વિમાનોમાં એ320 નિયો, 1321N80 અને 1321 XLR વિમાનોનો સમાવેશ થતો હતો. જાણકારોના મતે આ ઓર્ડરની કિંમત આમ તો 50 બિલિયન ડોલર થાય છે પરંતુ આટલો મોટો ઓર્ડર આપવાના કારણે એરલાઇનને મોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે.
100 વિમાનો રિટાયર્ડ કરશે
અત્રે એ પણ નોંધનીય છે કે એ320 ફેમિલીના મોરચે 2030 સુધીમાં 477 વિમાનોની ડિલિવરી હજુ પણ પેન્ડિંગ છે. આ સંજોગોમાં આ ઓર્ડરથી એ પણ સુનિશ્ચિત થશે કે આગામી દશકમાં ઈન્ડિગોને કોઇ અવરોધ વગર નવા વિમાનોની સપ્લાઇ થઇ શકે. અહેવાલો અનુસાર ઈન્ડિગો 2030 સુધીમાં તેના કાફલામાંથી 100 વિમાનોને રિટાયર્ડ કરી દેવા માગે છે. આ કારણે પણ એરલાઇન ડિલિવરી સ્લોટ ફિક્સ કરશે કે જેથી તેના કાફલાનું કદ જળવાઇ રહે. યુરોપમાં સર્વિસના વિસ્તાર માટે ઈન્ડિગોને આ વિમાનની જરૂર છે. ઈન્ડિગો હાલમાં ઇન્ટરનેશનલ સીટમાં 23 ટકા ભાગીદારી ધરાવે છે, જે આગામી બે વર્ષમાં વધારીને 30 ટકા કરવા માંગે છે.