બ્રસેલ્સઃ યુરોપિયન યુનિયને (ઈયુ) અમેરિકાની જાયન્ટ મોબાઈલ કંપની એપલને ૧૪.૫ બિલિયન ડોલર ટેક્સ ચૂકવવાનો આદેશ કર્યો છે. ટેક્સ બચાવવા માટે એપલે આયર્લેન્ડમાં ગેરરીતિ આચરી હોવાના કેસમાં આ હુકમ થયો છે. આ રકમમાં એપલે આયર્લેન્ડને ચૂકવવાની થતી વ્યાજની રકમનો પણ સમાવેશ થાય છે. આયર્લેન્ડમાં વર્ષ ૧૯૮૦થી કાર્યરત એપલની ઓફિસમાં પાંચ હજાર કર્મચારીઓ ફરજ બજાવે છે. વર્ષ ૨૦૧૫માં એપલે યુરોપિયન બજારમાંથી ૧૮ બિલિયન ડોલરની વિક્રમજનક કમાણી કરી હતી
ઈયુના કોમ્પિટિશન કમિશનર મેકગ્રાથ વેસ્ટગરે કહ્યું હતું કે એપલે ટેક્સ બચાવવા માટે વેચાણના ખોટા આંકડા રજૂ કર્યા હતા. આયર્લેન્ડમાં એપલને કેટલાક ખાસ લાભ મળ્યા હતા. વર્ષ ૨૦૦૩માં એપલે યુરોપમાં થયેલા નફામાંથી માત્ર એક ટકો ટેક્સ ભર્યો હતો, જ્યારે ૨૦૧૪માં માત્ર ૦.૦૦૫ ટકા ટેક્સ ભર્યો હતો. એપલે સમગ્ર યુરોપમાંથી વેચાણ અને સર્વિસ દ્વારા થયેલી આવકના ખોટા આંકડા રજૂ કર્યા હતા. એપલની ગેરરીતિને પગલે ઈયુમાં આયર્લેન્ડની પ્રતિષ્ઠા જોખમાઈ હતી.
ઈયુની એન્ટિ ટ્રસ્ટ રેગ્યુલેટરી સંસ્થાના હુકમ સામે આયર્લેન્ડ અને એપલ અપીલ કરે તેવી શક્યતા છે.