સાન ફ્રાન્સિસ્કોઃ વિશ્વખ્યાત એપલ કંપનીએ ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૪ના ક્વાર્ટરમાં રેકોર્ડબ્રેક નફો કરી વેપારઉદ્યોગના માંધાતાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. કંપનીએ આ ત્રણ મહિનામાં કેટલી જંગી આવક કરી છે તેની સરખામણી માટે કહી શકાય કે આ આવક પાકિસ્તાન, મલેશિયા, બાંગ્લાદેશ સહિત દુનિયાના અનેક દેશોનાં વાર્ષિક બજેટ કરતાં પણ વધારે છે.
કંપનીના નફામાં આવેલા આ તોતિંગ ઉછાળાનું શ્રેય નવા પ્લસ સાઇઝ આઇફોનને જાય છે. એપલ કંપની દ્વારા પ્રકાશિત કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે ૩૧ ડિસેમ્બર સુધીમાં કંપનીએ અધધધ ૭.૪૫ કરોડ આઇફોન વેચ્યા હતા. આઇફોનનાં વેચાણમાં અકલ્પનીય વૃદ્ધિને પગલે કંપનીની કુલ કમાણી ૭૪.૬ બિલિયન ડોલર (લગભગ ૪,૫૭,૯૭૭ કરોડ રૂપિયા)થઇ છે, આ રકમ અગાઉ ૫૭.૬ બિલિયન ડોલર હતી. આમ માત્ર એક વર્ષમાં જ કંપનીએ લગભગ ૧૮ બિલિયન ડોલર (લગભગ ૧,૧૦,૫૦૪ કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. કોઇ પબ્લિક કંપની દ્વારા એક વર્ષમાં થયેલી આ સૌથી વધુ કમાણી હોવાનું માનવામાં આવે છે. એપલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટીમ કૂકે જણાવ્યું હતું કે એપલ દ્વારા તેની આગામી પ્રોડક્ટ એપલ વોચને એપ્રિલમાં લોન્ચ કરવામાં આવશે. નફામાં જંગી ઉછાળા બાદ એપલના શેરના ભાવો પણ ઉછાળ્યા હતા.
એપલની કમાણીની સરખામણી
એપલની કુલ કમાણી ૭૪.૬ બિલિયન ડોલરની છે. આ કમાણી કેટલાક દેશો જેમ કે, પાકિસ્તાન, બાંગ્લાદેશનાં વાર્ષિક બજેટ કરતાં વધુ છે. ઉદાહરણ તરીકે પાકિસ્તાનનું વાર્ષિક બજેટ ૩૫ બિલિયન ડોલર છે જ્યારે બાંગ્લાદેશનું વાર્ષિક બજેટ ૧૨.૭ બિલિયન ડોલર, મલેશિયાનું બજેટ ૫૯.૯ બિલિયન ડોલર છે. આમ એપલની વાર્ષિક કમાણી આ દેશોનાં બજેટથી વધી ગઇ છે.
દરેક નવાં મોડેલમાં રેકોર્ડ
એપલ કંપનીએ ૨૦૧૩માં જ્યારે ફાઇવ એસ મોડેલ લોન્ચ કર્યું ત્યારે કંપનીએ પાંચ-દસ લાખ સ્માર્ટફોન વેચ્યા હતા. આ વખતે તેણે પોતાનો જ રેકોર્ડ તોડી ૭.૪૫ કરોડ આઇફોન વેચ્યા હતા. આમ કંપનીનું વેચાણ આઇફોનની બાબતમાં દિવસેને દિવસે વધી રહ્યું છે.