એર-ઇંડિયા હવે એડવર્ટાઇઝ દ્વારા આવક ઉભી કરશે

Friday 24th April 2015 07:21 EDT
 
 

મુંબઇઃ જંગી દેવાના બોજ હેઠળ ડુબેલી અને નફો કરવા માટે હવાતિયા મારી રહેલી સરકારી માલિકીની એર-ઇન્ડિયાએ હવે નાણા ઉભા કરવા નવો રસ્તો વિચાર્યો છે. સરકારે મંજૂર કરેલા 'ટર્નઅરાઉન્ડ પ્લાન'ને સાકાર કરવા માટે એર-ઇન્ડિયા ટિકિટના વેચાણ સિવાયના સ્ત્રોતોમાંથી રૂ. ૧૦૦ કરોડ જેટલી રકમ ઉભી કરવાની ગણતરી ધરાવે છે.
એરલાઇન્સ દ્વારા નાગરિક ઉડયન મંત્રાલયને આપવામાં આવેલા પ્રેઝન્ટેશન મુજબ ૨૦૧૪ના વર્ષમાં એર-ઇન્ડિયાએ આવી રીતે રૂ. ૨૦ કરોડ જેટલી રકમ મેળવી હતી. આ વર્ષે આ રકમ વધારીને રૂ. ૧૦૦ કરોડ જેટલી કરવાના હેતુથી એર-ઇન્ડિયાએ વિજ્ઞાપન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ૪૦ જેટલા વિકલ્પ વિચાર્યા છે.
એર-ઇન્ડિયાની મહત્ત્વની ઓફિસો, વિમાનની બહારની બાજુ, બોર્ડિંગ પાસ, બેગેજ ટેગ, નાસ્તાના બોક્સ માટે જુદી જુદી કંપનીની જાહેરાતો મેળવીને કમાણી કરવાનો નુસખો એર-ઇન્ડિયાએ શોધી કાઢ્યો છે. અલબત્ત, એર-ઇન્ડિયાએ એવી વસ્તુઓની પણ યાદી બનાવી છે જેની જાહેરાત નહીં લેવામાં આવે આમા શરાબ, સિગરેટ, આંતરવસ્ત્રો અને ઓનલાઇન ટ્રાવેલ એજન્ટોનો સમાવેશ થાય છે. આવી કંપનીઓ અથવા તેના ઉત્પાદનોની જાહેરાત કંપની દ્વારા નહીં લેવામાં આવે. ઉડયન ક્ષેત્રના એક નિષ્ણાત મુજબ કંપની પાસે જાહેરાત મેળવવાના વિશાળ સ્ત્રોત છે, પરંતુ એનો આયોજનપૂર્વકનો ઉપયોગ થવો ઘટે.
આ ઉપરાંત એર-ઇન્ડિયા તેની વેબસાઇટ અને કોલ સેન્ટર દ્વારા પણ જાહેરાત મેળવવા ધારે છે. કંપનીની વેબસાઇટની દરરોજ આશરે ૬૦ હજાર લોકો મુલાકાત લે છે અને તેના કોલ-સેન્ટરમાં દિવસમાં આશરે ૯૦૦૦ કોલ આવે છે. એર-ઇન્ડિયા તેની મહત્ત્વની મિલ્કતોની બહાર 'બીલ બોર્ડ' દ્વારા પણ નાણા ઉભા કરવાની યોજના ધરાવે છે.
મંત્રાલયને કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અનુસાર કંપની દેશમાં ૫૮ તથા વિદેશમાં સાત પ્રોપર્ટી ધરાવે છે. આમ કરવામાં કંપનીએ એક પૈસો પણ ખર્ચવો પડશે નહીં. અલબત, જુદા-જુદા શહેરના જુદા-જુદા 'લોકેશન' પ્રમાણે કંપની જાહેરાત દ્વારા નાણા ઉભા કરી શકશે.
એર-ઇન્ડિયાના અંદાજ મુજબ મુંબઇના નરીમાન પોઇન્ટ ખાતેના કંપનીના કાર્યાલયની બહાર જાહેરાત મેળવવાને કારણે કંપનીને વાર્ષિક ચાર કરોડ રૂપિયાની આવક થશે જ્યારે બીજી 'પ્રોપર્ટી'ની બહાર જાહેરાતના હક આપવાથી કંપનીને વાર્ષિક બે કરોડ રૂપિયા જેટલી રકમની આવક થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter