નવી દિલ્હીઃ એશિયાના ટોપ-૧૦ કરોડપતિઓમાં ભારતીય જ્હોન પૌલ જોય અલુક્કાસને સ્થાન મળ્યું છે. તેમની કુલ સંપત્તિ ૮૨ કરોડ ડોલર છે. ૨૯ વર્ષના જ્હોન પૌલ પોતે જોયાલુક્કાસ ગ્રૂપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે અને ગ્રૂપના ચેરમેન જોય અલુક્કાસના પુત્ર છે. ટોપ-૧૦ એશિયન કરોડપતિઓમાં તેમને આઠમું સ્થાન મળ્યું છે. ૧૯૮૧થી ૧૯૯૭ વચ્ચે જન્મેલાં લોકોની વૈશ્વિક સંપત્તિને ધ્યાનમાં રાખીને આ તૈયાર થઇ છે.
ચીનની પ્રોપર્ટી ડેવલપમેન્ટ અને મેનેજમેન્ટ કંપની કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સના ૩૪ વર્ષના વાઇસ ચેરમેન યાંગ હુઇયાન યાદીમાં ટોચ પર છે. જેમની વ્યક્તિગત સંપત્તિ ૬.૧ બિલિયન ડોલર છે. હોંગ કોંગનાં ન્યૂ વર્લ્ડ ડેવલપમેન્ટ ગ્રૂપના એડ્રિયન ચેન્ગ ૪.૪ બિલિયન ડોલરની મિલકત સાથે બીજા ક્રમે છે. યાદીમાં સામેલ અન્ય લોકોમાં ૩ બિલિયન ડોલર સાથે કેલી જોન્ગ ત્રીજા ક્રમે, ૨.૭ બિલિયન ડોલર સાથે હે ઝિટાઓ ચોથા ક્રમે, ૨.૨ બિલિયન ડોલર સાથે લિન ક્યુઈ પાંચમા ક્રમે આવ્યા હતા.
ટોપ-૧૦ ધનાઢયઃ યાંગ હુઇયાન (૬.૧ બિલિયન ડોલર), એડ્રિયન ચેન્ગ (૪.૪ બિલિયન ડોલર), કેલી જોન્ગ (૩ બિલિયન ડોલર), હે ઝિટાઓ (૨.૭ બિલિયન ડોલર), લિન ક્યુઈ (૨.૨ બિલિયન ડોલર), લિઓ ચેન (૧.૧ બિલિયન ડોલર), યાન વુ (૮૬ કરોડ ડોલર), જ્હોન પૌલ જોય અલુક્કાસ (૮૨ કરોડ ડોલર), ઝાંગ કાંગલી (૭૧ કરોડ ડોલર) અને ઝુ યુફેંગ (૬૬ કરોડ ડોલર).