એશિયા’સ બેસ્ટ અન્ડર અ બિલિયન લિસ્ટમાં ભારતની ૧૧ કંપની
મુંબઇઃ એશિયા પેસિફિક પ્રદેશની એક બિલિયન ડોલર સુધીની આવક ધરાવતી ટોચની ૨૦૦ કંપનીઓમાં ભારતની ૧૧ કંપનીઓએ સ્થાન મેળવ્યું છે. આવી કંપનીઓમાં અવંતિ ફિડ્સ લિમિટેડ અને બોરોસિલ ગ્લાસ વર્ક્સનો સમાવેશ થાય છે.
પ્રતિષ્ઠિત ‘ફોર્બ્સ’ મેગેઝિન દ્વારા તૈયાર થયેલા એશિયા’સ બેસ્ટ અન્ડર અ બિલિયન નામના આ લિસ્ટમાં પાંચ મિલિયનથી એક બિલિયન ડોલર સુધીની વાર્ષિક આવક ધરાવતી પબ્લિક કંપનીઓને યાદીમાં આવરી લેવાઈ છે. જે કંપનીએ નફો કર્યો હોય અને વર્ષમાં ઓછામાં ઓછું એક વર્ષ સુધી જેના શેરમાં ટ્રેડિંગ થયું હોય એને જ યાદીમાં સ્થાન આપવામાં આવે છે.
વર્ષ ૨૦૧૫ની યાદીમાં ચીન અને હોંગ કોંગ મળીને ૮૪ તથા તાઈવાનની ૩૬ કંપનીઓ સામેલ છે. યાદીમાં એમનો હિસ્સો ૬૦ ટકા થાય છે. ૧૭ કંપનીઓ સાથે સાઉથ કોરિયા ભારતથી આગળ છે. ભારતીય કંપનીઓમાં ઉપરની બે ઉપરાંત બાઈક હોસ્પિટાલિટી, કેપલિન પોઈન્ટ લેબોરેટીઝ, સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ, કાવેરી સીડ્સ, કિટેક્સ ગાર્મેન્ટ્સ, એનજીએલ ફાઈન કેમ, ઓર્બિટ એક્સપોર્ટસ, પ્રેમકો ગ્લોબલ અને વક્રાંગીનો સમાવેશ થાય છે.
આ ૨૦૦માંથી ૧૨૩ કંપનીઓ પહેલી વાર આ યાદીમાં આવી છે. આમ એશિયા પેસિફિક પ્રદેશમાં નાના-મધ્યમ પાયાના ઉદ્યોગોમાં સક્રિયતા જોવા મળતી હોવાનું ‘ફોર્બ્સ’નું કહેવું છે. ભારતની જેમ મલેશિયાની પણ ૧૧ કંપનીઓ યાદીમાં છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની નવ કંપનીને સ્થાન મળ્યું છે. આ વર્ષે જાપાન ટોચના પાંચ દેશોમાંથી બહાર નીકળી ગયું છે. ગયા વર્ષની ૧૫ની સામે આ વર્ષે ફક્ત આઠ કંપનીઓ યાદીમાં છે. સિંગાપોર અને થાઈલેન્ડની છ-છ તથા પાકિસ્તાની બે કંપનીઓને સ્થાન મળી શક્યું છે.
‘ફોર્બ્સ’ના એશિયાના સંપાદક ટિમ ફર્ગ્યુસને જણાવ્યા મુજબ જે કંપનીઓ સતત સારી કામગીરી કરતી હોય તથા જનતાને લાભ કરાવી આપતી હોય તેવી કંપનીઓને જ યાદીમાં સ્થાન મળે છે.
કઇ ભારતીય કંપનીઓ શ્રેષ્ઠ?
• અવંતિ ફીડ્સ લિમિટેડ • બોરોસિલ ગ્લાસ વર્ક્સ • બાઈક હોસ્પિટાલિટી • કેપલિન પોઈન્ટ લેબોરેટરીઝ • સેન્ટમ ઈલેક્ટ્રોનિક્સ • કાવેરી સીડ્સ • કિટેક્સ ગાર્મેન્ટ્સ • એનજીએલ ફાઈન કેમ • ઓર્બિટ એક્સપોર્ટ્સ • પ્રેમકો ગ્લોબલ • વક્રાંગી