કમાઉ દીકરા જેવા ઇ-કોમર્સ ક્ષેત્રે ઝંપલાવવા સજજ થતા અંબાણી, ટાટા, બિરલા
મુંબઈ: ભારતમાં ઇ-કોમર્સ સેક્ટર રાજાના કુંવરની જેમ વિકસી રહ્યું છે. વિકાસના પંથે હરણફાળ ભરી રહેલા આ સેક્ટરની સફળતાથી પ્રેરાઈને ટોચનાં ઉદ્યોગ સમૂહો પણ તેમાં ઝંપલાવવા તૈયારી કરી રહ્યાં છે. વર્ષોથી પરંપરાગત બિઝનેસ દ્વારા આવક મેળવતા રિલાયન્સ ગ્રૂપ, ટાટા ગ્રૂપ અને બિરલા ગ્રૂપ જેવાં મહાકાય ઉદ્યોગ સમૂહોએ સમય સાથે તાલ મિલાવતા તેમની નજર ઇ-કોમર્સ સેક્ટર પર માંડી છે.
ટાટા ગ્રૂપે તેના ઇ-કોમર્સ સાહસને 'ટાટા મોલ' કોડનેમ આપ્યું છે અને લગભગ ૩૫થી ૫૦ એક્ઝિક્યુટિવ્સની ભરતી કરી છે. આ ટીમ મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં નવા બિઝનેસ ડિસ્ટ્રિક્ટમાં કામ કરશે. ટાટા મોલને ટાટા ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની બનાવવામાં આવશે. ટાટા ગ્રૂપની કંપનીઓ અને અન્ય કંપનીઓ દ્વારા બનાવાતા રિટેલ ગૂડ્ઝનું વેચાણ આ નવું ઓનલાઇન સાહસ કરશે. ટાટા મોલ ગ્રાહકને ઓનલાઇન બુકિંગ કરવાની, એકાદ સ્ટોર પર પ્રોડક્ટ ચેક કરવાની અને જો પસંદ ન પડે તો ઓર્ડર કેન્સલ કરવાની સવલત પણ આપશે. ગ્રૂપ કંપનીઓની વસ્તુઓનું વેચાણ કરવા માટે ટાટા ગ્રૂપે નવી ઇ-કોમર્સ ટીમને માર્ગદર્શન પૂરું પાડવા માટે ગ્રૂપની કંપનીઓના જ એક્ઝિક્યુટિવ્સની એક સ્ટિયરિંગ પેનલ પણ બનાવી છે.
આ વ્યક્તિએ કહ્યું હતું કે, ‘રિટેલ ચેઇન વેસ્ટસાઇડ, ઘડિયાળ અને જ્વેલરી રિટેલ ચેઇન ટાઇટન અને તનિશ્ક જેવી ટાટા બ્રાન્ડ્સના લાયેઝન ઓફિસરે ધીમે ધીમે ઇ-કોમર્સ ટીમના સભ્યોને મળવાનું શરૂ કર્યું છે.’ ટાટા ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યા પ્રમાણે ગ્રૂપને ઇ-કોમર્સ સેક્ટરમાં રસ છે અને યોગ્ય સમયે વધુ માહિતી જાહેર કરાશે.
ભારતની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)એ તેના ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ માટે ભરતી શરૂ કરી દીધી છે. તેની રિટેલ ચેઇન રિલાયન્સ ફ્રેશની સપ્લાય ચેઇનને નવા સાહસ માટે સજ્જ કરવાનું શરૂ કરી દીધું છે. એક્ઝિક્યુટિવ શોધવાનું કામ કરતી એક કંપનીએ જણાવ્યું હતું કે, ‘રિલાયન્સે બેંગલુરુમાં ૧૦૦૦ કર્મચારીને સમાવે તેવું ઇ-કોમર્સ સેન્ટર સ્થાપ્યું છે. તે હાર્વર્ડ, વ્હોર્ટનમાંથી ડિગ્રી ધરાવતી વ્યક્તિ શોધી રહી છે અને તેણે સ્નેપડિલ, ફ્લિપકાર્ડ, વોલ્માર્ટ, વોલ્માર્ટ લેબ્સ, જબોંગ અને મિયાન્ત્રા જેવા હરીફોમાંથી માણસો ખેંચવાના પ્રયાસ શરૂ કર્યા છે.’
રિલાયન્સે હરીફ ઇ-કોમર્સ સાહસમાંથી સીઇઓની ભરતી કરવા માટે વાટાઘાટ શરૂ કરી છે અને તેને વર્ષે રૂ. ૩ કરોડ જેટલો તગડો પગાર ઓફર કર્યો છે. અન્ય સિનિયર એક્ઝિક્યુટિવ્સને તે રૂ. ૭૫-૯૦ લાખ જેટલો પગાર ઓફર કરી રહી છે.
ટાર્ગેટ ટેક્નોલોજીના ભૂતપૂર્વ ડિરેક્ટર આશિષ ગ્રોવરને રિલાયન્સ જિયોના વાઇસ પ્રેસિડન્ટ (ઇ-કોમર્સ પ્લેટફોર્મ) બનાવાયા છે જ્યારે વોલ્માર્ટના ભૂતપૂર્વ એસોસિયેટ ડિરેક્ટર (એચઆર) ચિત્રા થોમસને રિલાયન્સ રિટેલ હેઠળના ઓનલાઇન સાહસ માટે વાઇસ પ્રેસિડેન્ટ-એચઆરના વડા બનાવાયાં છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રિલાયન્સે મિયાન્ત્રામાંથી અને હોમશોપ૧૮માંથી સિનિયર એક્ઝિક્યુટિવ્સ ખેંચ્યા હતા.
આદિત્ય બિરલા ગ્રૂપે આદિત્ય બિરલા ઓનલાઇન ફેશન નામના યુનિટ હેઠળ ટીમ તૈયાર કરી છે, જેમાં બેંગલુરુ બહારના ૩૦થી ૪૦ એક્ઝિક્યુટિવ્સ છે. બિરલા ગ્રૂપે મિયાન્ત્રા અને હોમશોપ૧૮ સહિતની કંપનીઓમાંથી ભરતી કરી છે.
બિરલા ગ્રૂપની ઇ-કોમર્સ યોજના મોટા ભાગે ફ્લિપકાર્ટ અને એમેઝોને અપનાવેલી વ્યૂહરચના જેવી છે એમ મોટાં ઔદ્યોગિક જૂથોને સલાહ આપવાનું કામ કરતી ચાર અગ્રણી એડ્વાઇઝરી કંપનીઓમાંની એકના કન્સલ્ટન્ટે કહ્યું હતું.