કમોસમી વરસાદ વેરી બન્યોઃ ખેડૂતો માટે દ્રાક્ષ ખાટી બની
પૂણેઃ કમોસમી વરસાદ ભારતભરનાં ખેડૂતો માટે વેરી બન્યો છે. ફાગણ માસની મધ્યમાં પડેલા ગુજરાતમાં કેસર કેરી, કપાસ, ઘઉં, જીરુના સહિતના કૃષિ પેદાશોને ભારે નુકસાન થયું છે તો મહારાષ્ટ્રમાં સાંગલી, સતારા અને નાસિકમાં દ્રાક્ષની ખેતી કરતા ખેડૂતોમાં પણ માતમ છવાયો છે. માવઠાંથી દ્રાક્ષના ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે.
દ્રાક્ષના નિકાસકર્તા મોટા કોર્પોરેટ્સનું તારણ છે કે આ વખતે નિકાસમાં ૩૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. અહીંથી ખાસ કરીને યુરોપમાં દ્રાક્ષની મોટા પાયે નિકાસ થાય છે. પાછલા વર્ષે ભારતે ૫,૦૦૦ કન્ટેનર દ્રાક્ષની નિકાસ કરી હતી. આ ઉદ્યોગના અંદાજ અનુસાર ચાલુ વર્ષે આ આંકડો ૩,૨૦૦ કન્ટેનરનો રહી શકે છે. ફ્રેશ ટોપના મેનેજિંગ ડિરેક્ટર અશોક મોતિયાનીએ જણાવ્યું હતું કે, ‘વરસાદના કારણે સાંગલી અને સતારા વિસ્તારમાં દ્રાક્ષની સિઝન ખતમ થઈ ગઈ છે.’ કોર્પોરેટ એક્સપર્ટ હાઉસીઝ મહારાષ્ટ્રમાં દ્રાક્ષનું ઉત્પાદન કરતા વિસ્તારોનો તાગ મેળવી રહ્યા છે. આ લોકો જાણવા માગે છે કે પહેલી અને બીજી માર્ચના રોજ થયેલા વરસાદથી પાકને કેટલું નુકસાન થયું છે.
સાંગલી જિલ્લાનાં તસગાંવ વિસ્તારમાં સવાલજ ગામના ૪૫ વર્ષીય ખેડૂત નાગેશ કુંભારના જણાવ્યા પ્રમાણે વરસાદના કારણે તેમને રૂ. ૨૨ લાખનું નુકસાન ભોગવવું પડશે. તેમણે કહ્યું હતું કે હું સાત એકર જમીન પર દ્રાક્ષની ખેતી કરું છું. વરસાદને લીધે ચાર એકરના પ્લોટને નુકસાન થયું છે. આ પ્લોટમાં આશરે રૂ. ૨૮ લાખની દ્રાક્ષ હતી. જો હું સમગ્ર પાકને સૂકી દ્રાક્ષમાં પરિવર્તિત કરી દઇશ તો પણ મને રૂ. ૨૨ લાખનું નુકસાન થશે.’ એક્સપોર્ટ ક્વોલિટીની દ્રાક્ષના ભાવ અત્યારે કિલોગ્રામ દીઠ રૂ. ૭૦નો છે. બીજી બાજુ સ્થાનિક બજારમાં સારી ક્વોલિટીની દ્રાક્ષ કિલોના રૂ. ૪૫ના ભાવે મળી રહી છે.
વક્રતાની વાત તો એ છે કે હવામાન આધારિત વીમા યોજના હેઠળ કોઈ ખેડૂતને આ નુકસાનીનું વળતર મળશે નહીં. અવારનવાર દુષ્કાળની થપાટ વેઠતા સતારા વિસ્તારમાં લગભગ ૩૦૦ એકર જમીન ઉપર દ્રાક્ષની ખેતી થઈ રહી હતી. અહીંના ખેડૂત દ્રાક્ષના પાકને પાણી પૂરું પાડવા માટે છેલ્લા કેટલાક વર્ષથી ટેન્કરનો ઉપયોગ કરતા હતા. અહીંના કાલેધોન ગામના ખેડૂત અશોક જાધવે જણાવ્યું હતું, ‘મેં ઇન્સ્યોરન્સ લીધો નહોતું, કેમ કે તેમાં જાન્યુઆરી પછીના પાકને રક્ષણ મળતું નથી અને દ્રાક્ષના પાકની લણણીની સિઝન જાન્યુઆરી છે. મને વરસાદના લીધે લગભગ રૂ. ૧૦ લાખનું નુકસાન થશે.’ મોસમ આધારિત ઇન્સ્યોરન્સ સ્કીમ હેઠળ ૧૫ ઓક્ટોબરથી લઈને ૩૧ ડિસેમ્બર સુધીના પાકને વીમાનું રક્ષણ મળે છે.