નવી દિલ્હીઃ આ વર્ષે એક કરતાં વધુ વખત ભારે વરસાદ પડ્યો હોવાથી ઘઉં, કઠોળ અને બાગાયતી ખેતીના ખેડૂતોને ભારે ફટકો પડ્યો છે. નુકસાન ઉપરાંત પાકની ગુણવત્તાને પણ અસર થઈ હોવાનું મનાય છે. સરકારના મતે ઘઉંની ઊપજમાં બે ટકા નુકસાન થયું હોવાનો અંદાજ છે.
કર્નાલમાં આવેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વ્હીટ એન્ડ બાર્લિ રિસર્ચના ડિરેક્ટર ઇન્દુ શર્માએ ગયા જાન્યુઆરીમાં જણાવ્યું હતું કે દેશમાં ઘઉંનું ઉત્પાદન ૧૦૦ મિલિયન ટનની વિક્રમ સપાટીને સ્પર્શી જશે. વરસાદ પછી તેમણે જણાવ્યું હતું કે દેશમાં ઘઉંનું ઉત્પાદન ૯૩-૯૪ મિલિયન ટન રહેવાનો અંદાજ છે.
તેમણે જણાવ્યું કે, ‘આપણે ગયા વર્ષના ઉત્પાદન સુધી નહીં પહોંચી શકીએ. હું અપેક્ષા રાખું છું કે આ વર્ષે ઉત્પાદન ૯૩-૯૪ મિલિયન ટનને સ્પર્શી શકે.’ ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ઘઉં ઉત્પાદક રાષ્ટ્ર છે તેણે ૨૦૧૩-૧૪માં ૯૫.૯ મિલિયન ટન ઘઉંનું ઉત્પાદન કર્યું હતું. તેમના જણાવ્યા અનુસાર પાછલા કેટલાક દિવસોમાં વરસાદના કારણે સફેદ તથા કાળી જીવાતનો ઉપદ્રવ વધી શકે તથા ઊપજ પર વધારે પ્રતિકૂળ અસર થઈ શકે.
જમ્મુ અને કાશ્મીરમાં પણ ભારે વરસાદના કારણે ત્રણ લાખ હેક્ટર જમીન પર ઘઉંના વાવેતરને અસર થવાની અપેક્ષા છે. માર્ચના પ્રારંભે વરસાદ થયો તેના કારણે પણ મોટા ભાગે જમ્મુના વિસ્તારોમાં ૩૦ ટકા પાકના વાવેતર ધરાવતાં ખેતરોમાં પાણી ભરાયાં હતાં.