મુંબઈઃ વિશ્વના બીજા નંબરના સૌથી ધનાઢય અને મેક્સિકોના ઇન્વેસ્ટર અને બિઝનેસમેન કાર્લોસ સ્લીમે હવે મૂડીરોકાણ માટે ભારત પર નજર માંડી છે. તેઓ ભારતમાં ટેલિકોમ સેકટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગે છે.
એક અહેવાલ અનુસાર, પખવાડિયા પૂર્વે કાર્લોસ સ્લીમે ભારતની મુલાકાત લીધી હતી અને ટેલિકોમ સેકટરની અગ્રણી કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે મિટિંગનું આયોજન કર્યું હતું. કાર્લોસ સ્લીમ વીડિયોકોન ગ્રૂપના ચેરમેન વેણુગોપાલ ધુતને પણ મળ્યા હોવાનું જાણવા મળે છે.
ભારતમાં ટેલિકોમ સેકટરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે અને આગામી સમયમાં એની વૃદ્ધિની જે અપેક્ષા છે એનાથી કાર્લોસ બહુ પ્રભાવિત થયા છે. કાર્લોસ સ્લીમ ટેલિકોમ, એજ્યુકેશન, હેલ્થકેર, ઇન્ડસ્ટ્રીયલ મેન્યુફેકચરીંગ, ફૂડ અને બેવરેજીસ, રિઅલ એસ્ટેટ સહિત ઘણા ક્ષેત્રે પ્રવૃત છે.