મુંબઈઃ ભારતીય બેંકોનું કરોડોનું કરજ લઇને વિદેશ જઇ પહોંચેલા ‘લીકર કિંગ’ વિજય માલ્યાનો ગઢ ગણાતા કિંગફિશર હાઉસનું કોઇ લેવાલ નથી. કોર્પોરેટ ક્ષેત્રમાં 'કિંગ ઓફ ધ ગુડ ટાઇમ્સ' તરીકે જાણીતા વિજય માલ્યાના પાર્લા વિસ્તારમાં આવેલા કિંગફિશર હાઉસને ૧૮ માર્ચે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)નાં વડપણ હેઠળની ૧૭ બેન્કોના કોન્સોર્ટિયમે ઈ-ઓક્શન (ઓનલાઇન હરાજી) પર મૂક્યું હતું, પણ એ ખરીદવા એક પણ ખરીદદાર આગળ આવ્યો નહોતો.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સબસિડિયરી એસબીઆઇકેપ્સ ટ્રસ્ટ દ્વારા આ હરાજી યોજાઇ હતી. માલ્યાની આ સંપત્તિની રૂ. ૧૫૦ કરોડ બેઝ પ્રાઇઝ રાખવામાં આવી હતી, છતાં તેને ખરીદવા માટે કોઈ તૈયાર થયું નહોતું. ગુરુવારે સવારે ૧૧:૩૦થી ૧૨:૩૦ દરમિયાન યોજાયેલી હરાજીમાં એક પણ બોલી ન આવતાં દિવસ નકામો ગયો હતો.
બોલી ન લાગવાના બે મુખ્ય કારણ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હરાજીમાં લોકોએ ભાગ ન લીધો અથવા તો બોલી ન લગાવી તેની પાછળ એવું નહોતું કે હરાજીમાં ભાગ લેનારા પાસે પૈસા નહોતા કે ભંડોળ નહોતું. આ બોલીમાં કોઈ આગળ ન આવ્યું તેનાં બે મુખ્ય કારણ જવાબદાર હતાં. પહેલું કારણ એ હતું કે આ હરાજીની તમામ રકમ રોકડેથી આપવાની હતી. બીજું મહત્ત્વનું કારણ એ હતું કે, હરાજીમાં સંપત્તિ ખરીદ્યા પછી તેનું પઝેશન ખરેખર મળી જશે કે કેમ તે અંગે પણ અવઢવ છે.
માલ્યાએ રોયલ ચેલેન્જર્સ ટીમ છોડી
રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટરપદેથી વિજય માલ્યાએ રાજીનામું આપી દીધું છે. આ અંગેની સત્તાવાર જાણકારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને લેખિતમાં આપી છે. આઈપીએલ સંચાલન સમિતિનાં વિશ્વાસપાત્ર સૂત્રોએે જણાવ્યું હતું કે, ફ્રેન્ચાઇઝીના અધિકારી રસેલ એડમ્સે ઈ-મેલ દ્વારા આ અંગેની જાણકારી આપી છે. મેલમાં જણાવાયું હતું કે, માલ્યાએ તેમના સત્તાવાર પદેથી રાજીનામું આપી દીધું છે. હવે એડમ્સ ખુદ આરસીબી ટીમના ઇન્ચાર્જપદે રહેશે.