નવી દિલ્હીઃ ભારત સરકારના ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે બ્રિટિશ કેઈર્ન એનર્જીને રૂ. ૨૯,૦૦૦ કરોડની ડિમાન્ડ નોટિસ ફટકારી છે. આમાંથી રૂ. ૧૮,૮૦૦ કરોડ તો પાછલી તારીખથી બાકી નીકળતા વ્યાજ પેટેના છે. જાન્યુઆરી ૨૦૧૪માં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કેઈર્ન એનર્જી સામે રૂ. ૧૦,૨૪૭ કરોડનો ડ્રાફટ એસેસમેન્ટ ઓર્ડર ઈશ્યૂ કરાયો હતો.
કેઈર્ન એનર્જીએ ૨૦૦૬માં ભારત ખાતેના બિઝનેસનું રિ-ઓર્ગેનાઈઝેશન કર્યું હતું. તેના પગલે મેળવેલા કેપિટલ ગેઈન ટેક્સ તરીકે આ ડિમાન્ડ નોટિસ બજાવવામાં આવી હતી. હવે રૂ. ૧૦,૨૪૭ કરોડની મૂળ ડિમાન્ડ તથા ત્યાર પછી અત્યાર સુધીના વ્યાજ પેટે રૂ. ૧૮,૮૦૦ કરોડ એમ કુલ મળીને રૂ. ૨૯,૦૪૭ કરોડની માગણી હવે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી કરવામાં આવી છે. આવકવેરા ખાતાનું કહેવું છે કે કેઈર્ન એનર્જી તરફથી ટેક્સ હેવન 'જર્સી' ખાતે રજિસ્ટર્ડ સબસિડિયરી પાસે રહેલા ભારતીય બિઝનેસની એસેટસ નવરચિત કેઈર્ન ઈન્ડિયા ખાતે ટ્રાન્સફર કરીને રૂ. ૨૪,૫૦૩ કરોડનો કેપિટલ ગેઈન મેળવવામાં આવ્યો હતો.
કેઈર્ન ઈન્ડિયાનું બાદમાં રૂ. ૮,૬૧૬ કરોડનો આઈપીઓ લાવીને બજારમાં લિસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ૨૦૧૧માં કેઈર્ન એનર્જીએ તેનો કેઈર્ન ઈન્ડિયામાંનો બહુમતી હિસ્સો ૮૬૭ કરોડ ડોલરમાં વેદાન્તા ગ્રૂપને વેચી નાંખ્યો હતો.