કેરળમાં વિરોધના વંટોળ વચ્ચે વિઝહિન્જામ પ્રોજેક્ટ અદાણીને

Friday 19th June 2015 05:41 EDT
 
 

તિરુવનંતપુરમ્ઃ કેરળ સરકારે રાજકીય વિવાદનો વંટોળ ઉઠવા છતાં ૭૫૦૦ કરોડ રૂપિયાનો વિઝહિન્જામ પોર્ટ પ્રોજેક્ટ ગુજરાતસ્થિત અદાણી પોર્ટને સોંપવાનો નિર્ણય કર્યો છે.

નોંધનીય છે કે માર્ગપરિવહન અને બંદર નિર્માણ ખાતાના પ્રધાન નીતિન ગડકરીએ થોડા દિવસો પૂર્વે જ ચેતવણી ઉચ્ચારી હતી કે, જો આ પોર્ટ પ્રોજેક્ટનો કોન્ટ્રેક્ટ અદાણી પોર્ટને સોંપવા મુદ્દે ઉભો થયેલો રાજકીય વિવાદ ઝડપથી ઉકેલવામાં નહીં આવે તો તે તામિલનાડુને મળી શકે છે. ‘કેબિનેટ દ્વારા અદાણી પોર્ટને કોન્ટ્રાક્ટ આપવા અંગે વિઝહિન્જામ ઈન્ટરનેશનલ સી પોર્ટ લિમિટેડની ભલામણ સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવી છે.’ તેમ કેરળના મુખ્ય પ્રધાન ઓમન ચાંડીએ જણાવ્યું હતું.

વિઝહિન્જામ જિલ્લામાં આવેલા આ પોર્ટના કોન્ટ્રેક્ટ અંગે સમજૂતી કરાર પર હસ્તાક્ષરની પ્રક્રિયા હવે પછીના સમયમાં મુખ્ય ચૂંટણી અધિકારીની મંજૂરી બાદ હાથ ધરાશે. અરુવિકારા મતક્ષેત્રમાં વિધાનસભાની પેટા ચૂંટણીને પગલે હાલ આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી સીઈસીની મંજૂરી લેવી પડશે તેમ મુખ્ય પ્રધાને વધુમાં જણાવ્યું હતું.

આ પોર્ટ ખાતે નિર્માણ કામગીરીનો પ્રારંભ કેરળ સ્થાપના દિન એટલે કે પહેલી નવેમ્બરથી કરાશે તેમ રાજ્યના પોર્ટ પ્રધાન કે. બાબુએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે રાજ્યના હિતને ધ્યાનમાં રાખીને પારદર્શકતાથી કામ કરવામાં આવ્યું છે.

આ પોર્ટ માટેની સૌપ્રથમ દરખાસ્ત ૧૯૯૧માં તત્કાલીન કોંગ્રેસના મુખ્ય પ્રધાન સ્વ. કે. કરુણાકરનના શાસનકાળમાં કરવામાં આવી હતી, પરંતુ તે સાકાર થઇ શકી નહોતી.

૨૦૧૧માં રાજ્યમાં યુડીએફ સરકાર સત્તા પર આવતા આ પ્રોજેક્ટને પુનઃ વેગ મળ્યો હતો. વિરોધ પક્ષ એલડીએફે ખાનગી ક્ષેત્ર દ્વારા આ પ્રોજેક્ટના અમલ સામે વિરોધ વ્યક્ત કરતા સોદામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા.

દરમિયાન સરકારે આ મુદ્દે તાજેતરમાં સર્વપક્ષીય બેઠક બોલાવીને વિસ્તૃત રજૂઆત કરી હતી. જોકે, આ બેઠકમાં ડાબેરી પક્ષોએ અદાણી જૂથને કોન્ટ્રેક્ટ આપવા નારાજી દર્શાવી હતી અને જાહેર ક્ષેત્રે પોર્ટનો વિકાસ કરવા જણાવ્યું હતું. વિઝહિન્જામ પોર્ટ માટે એકમાત્ર અદાણી બિડર હોવાથી સરકારે આખરે આ કોન્ટ્રેક્ટ અદાણી પોર્ટને સોંપ્યો હોવાનું જણાવ્યું હતું.

વિરોધ પક્ષની લાગણીને નકારતા ચાંડીએ કહ્યું હતું કે, ‘આ પ્રોજેક્ટ કોઈ પણ ભોગે અમલી બનાવાશે. સરકારના મતે જો આ પ્રોજેક્ટ પ્રવર્તમાન સમયે નહીં હાથ ધરાય તો રાજ્ય તેનો ડ્રીમ પ્રોજેક્ટ ગુમાવશે.’ અદાણી જૂથના પોર્ટનિર્માણ ક્ષેત્રે બહોળા અનુભવ તેમ જ કુશળતાને પણ રાજ્ય સરકારે ધ્યાનમાં લીધા હતા. આ કોન્ટ્રેક્ટ હેઠળ પોર્ટ-નિર્માણ અને સંચાલનનો સમયગાળો ૪૦ વર્ષનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter