કેરીને ગરમ પાણીમાં ધોવી પડશેઃ ઇયુની શરતથી નિકાસકારો મુશ્કેલીમાં

Saturday 14th March 2015 06:06 EDT
 
 

પૂણેઃ યુરોપિયન યુનિયને (ઇયુ) ભારતીય કેરીઓની આયાત પરનો પ્રતિબંધ તો હટાવ્વીયો છે, પરંતુ તેણે મૂકેલી એક શરતના કારણે કેરીના નિકાસકારોને શિપમેન્ટમાં મોટો ઘટાડો થવાનો ડર સતાવે છે. યુરોપિયન યુનિયને એવી શરત છે કે જે કેરીની નિકાસ થવાની છે તેને જંતુમુક્ત કરવા માટે એક કલાક સુધી ગરમ પાણીમાં મૂકીને ધોવી પડશે. તો નિકાસકારોનું કહેવું છે કે કેરીને એક કલાક સુધી ગરમ પાણીમાં રાખીને ધોવાની શરતને પૂરી કરવી મુશ્કેલ છે.
એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટસ્ ડેવલપમેન્ટ એજન્સી જેવી સરકારી એજન્સીઓનું કહેવું છે કે તેમણે આ દાવાની તપાસ કરવા માટે મેંગો ટ્રીટમેન્ટના વૈજ્ઞાનિક પરીક્ષણો શરૂ કર્યાં છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પૂર્વે ભારતીય કેરીઓમાં કીટકો મળી આવ્યા બાદ યુરોપિયન યુનિયને ભારતથી કેરીની આયાત પર પ્રતિબંધ લાદી દીધો હતો. બાદમાં યુરોપિયન યુનિયનની ટીમે દેશની વિવિધ કેન્દ્રોની મુલાકાત લીધી હતી. આ સમયે સંબંધિત એજન્સીઓએ વચન આપ્યું હતું કે નિકાસ કરવામાં આવનારા ફળોને ગરમ પાણી વડે ટ્રીટ કરવામાં આવશે, જેથી તેમાં કીટકોની સમસ્યા રહે નહીં. ત્યાર બાદ યુરોપિયન યુનિયને ભારતીય કેરીની આયાત પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો.

કેરીની નિકાસ કરનારા અન્ય મોટા રાષ્ટ્રોથી વિપરીત ભારતીય કેરીની નિકાસ વિમાન દ્વારા થાય છે, જેથી ફળોના કીટકના ઇંડા જીવિત રહે છે. નિકાસ જો દરિયાઇ માર્ગે કરાય તો કોલ્ડ ટેમ્પરેચરમાં આ કીટક જીવી શકતા નથી. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર ગરમ પાણીની ટ્રીટમેન્ટનો નિર્ણય સરકારી એજન્સીઓ પાસે ઉપલબ્ધ વર્તમાન ડેટાના આધારે કરાયો હતો. આ નિર્ણય અનુસાર કેરીને એક કલાક સુધી ૪૮ ડિગ્રી સેલ્શિયસના તાપમાને ટ્રીટ કરવી પડશે.
જોકે મહારાષ્ટ્રની વાશી એગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ મેનેજમેન્ટ કમિટીમાં કેરીના હોલસેલર સંજય પાનસરે જણાવે છે કે, આપણે કેરીને જો નિશ્ચિત કરાયેલા ટેમ્પરેચર પર ટ્રીટ કરીશું, તો કેરી ખરાબ થઇ જશે. અમારું સંશોધન દર્શાવે છે કે કેરીને જો પંચાવન ડિગ્રી સેલ્શિયસના તાપમાને પાંચ મિનિટ સુધી ટ્રીટ કરાય તો ફળના કીટકને ખતમ કરી શકાય છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર વાશી માર્કેટ યાર્ડમાં આવનારી કેરીઓમાંથી ૪૦ ટકા હિસ્સાની નિકાસ થાય છે, જેમાંથી ૩૫ ટકા હિસ્સો મિડલ ઇસ્ટમાં મોકલાય છે. યુરોપમાં નિકાસ થતી કેરીઓ પૈકી હાફૂસનો હિસ્સો લગભગ ૭૦ ટકાનો હોય છે. નિકાસમાં મદદરૂપ થતી એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટસ્ ડેવલપમેન્ટ એજન્સીને આશા છે કે આ પ્રશ્નનો ઉકેલ એપ્રિલના અંત પહેલાં આવી જશે. એપ્રિલની આસપાસ યુરોપિયન યુનિયનમાં કેરીની નિકાસ શરૂ થતી હોય છે.
એગ્રિકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ્સ એક્સપોર્ટસ્ ડેવલપમેન્ટ એજન્સીના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે કેરીને હોટ વોટર ટ્રીટમેન્ટ આપવા અંગેનો અભ્યાસ કરવા માટે ડો. બાલાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠ તથા મહારાષ્ટ્ર સ્ટેટ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ બોર્ડને પ્રોજેક્ટ સોંપાયો છે. આ સંસ્થાઓનો રિપોર્ટ માર્ચ મહિનાના અંત કે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં આવવાની આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter