મુંબઈઃ વિશ્વભરના ચોકલેટ-શોખીનોને ‘ક્રન્ચી ટેસ્ટ’ની મજા ગુજરાત પૂરી પાડશે. નાના-મોટાની ફેવરિટ ચોકલેટ સ્નિકર્સમાં હવે સૌરાષ્ટ્રની મગફળી વપરાશે. સ્નિકર્સ બ્રાન્ડની ઉત્પાદક માર્સ ઇન્કોર્પોરેટેડ ભારત અને અખાતી દેશોથી માંડીને સાઉથ-ઇસ્ટ એશિયા અને ચીન માટે સૌરાષ્ટ્રમાંથી મગફળી મેળવવાની યોજના ધરાવે છે.
હાલમાં અમેરિકાની આ ચોકલેટ ઉત્પાદક કંપની મગફળીનો મોટા ભાગનો જથ્થો આર્જેન્ટિનામાંથી આયાત કરે છે. જેનો ઉપયોગ તેની બે બિલિયન ડોલરની બ્રાન્ડ સ્નિકર્સમાં થાય છે. માર્સ ઇન્ક.ના જનરલ મેનેજર એમ. વી. નટરાજને કહ્યું હતું, ‘ગુણવત્તાની દૃષ્ટિએ ચોક્કસ પ્રકારની મગફળી મેળવવી જરૂરી છે. અમે સૌરાષ્ટ્રના બે વેન્ડર્સ સાથે આવી મગફળી વિકસાવી રહ્યા છીએ. ભારત મગફળી માટે કદાચ સૌથી મોટું સોર્સિંગ હબ પણ બની શકે.’
કંપનીઓ માટે મગફળીમાંથી મળતા એફ્લાટોક્સિન્સનનો નીચો સ્તર પસંદગીનું નિર્ણાયક પરિબળ છે. માર્સ પ્રતિ બિલિયન એફ્લાટોક્સિન્સના ૪ પાર્ટ્સ (પીપીબી)નો કડક બેન્ચમાર્ક ધરાવે છે. જ્યારે ભારતીય બેન્ચમાર્ક ૩૦ પીપીબી અને અમેરિકામાં ૧૦ પીપીબી છે. ગુજરાતના ખેડૂત ફીડ્સના ડિરેક્ટર તુષાર પટેલે જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક વર્ષમાં અમે ‘પ્રોજેક્ટ સૌરાષ્ટ્ર’ શરૂ કર્યો છે. જેમાં લગભગ ૪૦ હજાર ખેડૂતો સાથે જોડાણ કરી તેમને ઉચ્ચ ગુણવત્તાની મગફળી પકવવા અને વધુ ઊપજ મેળવવાનું શીખવાય છે.’ ઉલ્લેખનીય છે કે ગુજરાત ફીડ્સે વૈશ્વિક નિપુણતા કેળવવા અને ઉત્તમ પ્રક્રિયા શીખવા માર્સ સાથે જોડાણ કર્યું છે.
ભારત વાર્ષિક ૬૦ લાખ ટન ઉત્પાદન સાથે વિશ્વમાં મગફળીનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. છતાં વૈશ્વિક બજારમાં તેનો હિસ્સો માત્ર કાચી મગફળી પૂરતો મર્યાદિત છે. પીનટ બટર સહિતની વેલ્યૂ-એડેડ પ્રોડક્ટ્સમાં પણ તેનું ખાસ યોગદાન નથી.
માર્સે ગયા મહિને ભારતમાં ૧૬ કરોડ ડોલરના રોકાણ સાથે પહેલો ચોકલેટ પ્લાન્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં મલ્ટિનેશનલ કંપની કોનાગ્રા ફૂડ્સની સબસિડિયરી એગ્રોટેક ફૂડ્સે ભારતમાં પહેલી વખત તેના સનડ્રોપ પીનટ બટરના ઉત્પાદન માટે ગુજરાતના ભરૂચ નજીક ઉત્પાદન એકમ શરૂ કરવાની જાહેરાત કરી હતી.