કમ્પાલાઃ નબળી પડેલી ક્રેન બેંક DFCUને વેચાઈ ગઈ છે. જોકે, તેનાથી બેંકના પૂર્વ મેનેજરો અને શેરહોલ્ડરોની જવાબદારીનો અંત આવ્યો નથી. સ્થાનિક અખબારો ‘ધ યુગાન્ડન’, ‘રેડ પેપર’ અને ‘ડેઈલી મોનિટર’ના અહેવાલમાં બેંકના પૂર્વ મેનેજરો અને મુખ્ય શેરહોલ્ડરોની ધરપકડ કરાઈ હોવાનું જણાવાયું છે. તેમના પર સંખ્યાબંધ બેનામી ખાતાનો આરોપ મૂકાયો છે.
બેંકની ખોટ પાછળના ‘ખરા ગુનેગાર’ શોધી કાઢવા માટે ચાલી રહેલી ફોરેન્સિક તપાસ એક મહિનામાં પૂરી થશે. જોકે, ‘ડેઈલી મોનિટર’ના અહેવાલ મુજબ બેંકની મૂડી સંપૂર્ણપણે ઘસાઈ ગઈ તેના માટે કોણ જવાબદાર હતું તે નિશ્ચિત કરવા માટે કઈ દિશામાં વધુ તપાસ કરવાની જરૂર છે તે દર્શાવતો ડ્રાફ્ટ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે.
આ બેંક પર ૪૭ ટકા શેર સાથે રૂપારેલિયા પરિવાર તથા ૪૬ ટકા સાથે મોરેશિયસ સ્થિત MS વ્હાઈટ સેફાયર કંપનીનું નિયંત્રણ હતું. સુધીરના ત્રણ સંતાનો શીના, મીરા અને રાજીવ દરેક પાસે બેંકના ૧.૯૯ ટકા શેર હતા. પત્ની જ્યોત્સના ૧૩.૮ ટકા અને સુધીરની ૨૮.૮૩ ટકા શેરની માલિકી હતી. જ્યોત્સના રૂપારેલિયા બેંકના બોર્ડ મેમ્બર પણ હતા.
બેંક ઓફ યુગાન્ડાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મિસ જસ્ટિન બાગ્યેન્ડાએ જણાવ્યું હતું કે બેંકના ટોપ મેનેજમેન્ટના પૂર્વ સભ્યો અને શેરહોલ્ડરોએ બેંકની મૂડી એક વર્ષ કરતાં ઓછા સમયમાં કેવી રીતે ઘસાઈ ગઈ તેનો ખુલાસો કરવો પડશે.
લોન અરજીનું નબળું મૂલ્યાંકન અને ફોલોઅપ, આંતરિક ધિરાણ, શંકાસ્પદ ફાઈનાન્સિયલ રિપોર્ટ્સનું ફાઈલિંગ અને રૂપારેલિયા કંપની સાથે સંકળાયેલા ટ્રાન્ઝેક્શન્સ જેવા અન્ય મુદ્દા રિપોર્ટમાં બહાર આવ્યા છે.
બેંક ઓફ યુગાન્ડાના ગવર્નર ઈમાનુએલ તુમુસિમે - મુતબિલએ જણાવ્યું હતું કે બહારના સ્વતંત્ર ઓડિટરની નિમણુંક કરી દેવાઈ છે. આ બેંકનું હસ્તાંતરણ ગત ૨૦ ઓક્ટોબર, ૨૦૧૬ના રોજ થયું તે વખતે જવાબદારીઓ કરતાં તેની એસેટ્સ ખૂબ ઓછી હતી.