અમદાવાદઃ તાજેતરમાં બહાર પડેલા કેન્દ્રના બજેટથી જેમ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો નારાજ છે. તેઓ મુજબ તેમને ગુજરાત રાજ્યને આ બજેટથી નિરાશા સાંપડી છે. જ્વેલરી, ડાયમંડથી માંડીને નાના ઉદ્યોગોને ખાસ કોઈ રાહત આપી નથી. જ્વેલરી અને ડાયમંડ ઇન્ડ્સ્ટ્રીની માગણીઓ ન સંતોષાતા ઉદ્યોગકારોમાં રોષ છે.
જ્વેલરી ઇન્ડસ્ટ્રી ખફા
રૂ. બે લાખથી વધુની ખરીદી પર પાનકાર્ડ મેળવવાની જોગવાઈ દૂર કરવાની માગ કરતી જ્વેલરી ઇન્ડસ્ટ્રી હવે એકસાઇઝની ટેક્સનેટના ભરડામાં આવી ગઈ છે. સરકાર દ્વારા રૂ. ૬ કરોડની ટર્નઓવર મર્યાદા રાખીને જ્વેલરી પર ૧ ટકો એકસાઇઝ લાગુ પાડી દીધો છે. જેથી તમામ પ્રકારના જ્વેલરી ઉત્પાદકો એકસાઇઝ ટેક્સનેટના ભરડામાં છે. તેથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં વિરોધના સૂર ઉઠ્યા છે.
ઉદ્યોગકારોનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રી વિકેન્દ્રિત ધોરણે ફેલાયેલી હોઈ તમામ રેકોર્ડ મેઇન્ટેઇન કરવાનું મુશ્કેલ બનશે.
ડાયમંડ ઉદ્યોગની અવગણના
જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ તથા જીજેએફ દ્વારા વિવિધ માગણીઓ ઉપરાંત વિદેશી માઇનિંગ કંપનીઓ રફ ડાયમંડનું વેચાણ કરી શકે તે માટે ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા માગ કરાઈ હતી જે સંતોષાઈ નથી.
નાના-મોટા ઉદ્યોગોને નિરાશા
સૌરાષ્ટ્રના મુખ્ય ઉદ્યોગો સિરામિક, બ્રાસ, ઓટોમોબાઇલ, શિપિંગ, ફિશિંગ અને હીરા ઉદ્યોગને હતાશા સાંપડી છે. મોરબીના સિરામિક ઉદ્યોગ પર ૧૨.૫ ટકા એક્સાઇઝ ડ્યૂટી વસૂલાય છે. તે ઘટાડીને ૬ ટકા કરવાની માગણી સંતોષાઈ નથી જામનગરમાં બ્રાસ પાર્ટ્સ ઉદ્યોગને પણ રાહત મળી નથી.