અમદાવાદ: ભારતીય શેરબજારમાં સૌથી વધુ વોલ્યુમ ધરાવતા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ખાસ કરીને મુંબઇ બાદ, ગુજરાતીઓ વધુ સક્રિય રહ્યાં છે. ચાલુ કેલેન્ડર વર્ષમાં શેરબજારમાં સતત નકારાત્મક વલણ જોવા મળ્યું છે. જીયોપોલિટિકલ ઘટનાક્રમ, યુદ્ધ, મોંઘવારી તથા વ્યાજદર વધારા જેવા પરિબળોને કારણે શેરબજારો સતત તૂટી રહ્યાં છે. 2022માં ઇક્વિટી માર્કેટમાં રોકાણકારોની કુલ મૂડી રૂ. 21 લાખ કરોડ ઘટી છે જેમાં ગુજરાતનો 12-13 ટકા હિસ્સો ધ્યાનમાં લેતા સરેરાશ 2.5-3 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતી રોકાણકારોને થયું છે.
જોકે નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતી રોકાણકારો રિસ્ક લેવામાં માહેર છે તેને ધ્યાનમાં લેતા હવેના દરેક ઘટાડે ફરી રોકાણકારો સક્રિય બનશે અને બમણું રોકાણ કરી ઉત્તમ રિટર્ન મેળવશે.
મૂડી રૂ. 21 લાખ કરોડ ઘટી, રૂપિયો 346 પૈસા તૂટ્યો
કેલેન્ડર વર્ષ ૨૦૨૨માં વૈશ્વિક સ્લોડાઉનમાં ઇક્વિટી માર્કેટમાં સુનામી જોવા મળી છે. વૈશ્વિક બજાર પાછળ ભારતીય બજારને મોટી અસર પડી છે. સૌથી વધુ ઘટાડાનો ટ્રેન્ડ રશિયા-યુક્રેન યુધ્ધ બાદથી ભારતીય બજારમાં જોવા મળ્યો છે. ચાલુ વર્ષમાં રોકાણકારોની મૂડી સરેરાશ 21 લાખ કરોડ રૂપિયા ઘટી ચૂકી છે જ્યારે ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 346 પૈસા તૂટી 77.72ની નીચી સપાટીએ સરક્યો છે. વૈશ્વિક સ્તરે મોટા ભાગના માર્કેટ સરેરાશ 15-27 ટકા તૂટ્યા છે જ્યારે ભારતીય માર્કેટ 10 ટકા સુધી જ ઘટ્યું છે.
નાના રોકાણકારો માટે તક
બજાર નિષ્ણાતો કહે છે કે ભારતીય બજારમાં હજુ 10 ટકા ઘટાડાની સંભાવના છે. ભારતીય બજારમાં નિફ્ટી માટે 14,800 નિર્ણાયક સપોર્ટ છે, જે તૂટતા નિફ્ટી નીચે ઉતરીને 14,400 આવી શકે છે જ્યારે સેન્સેક્સે 53,000 પોઇન્ટનો સપોર્ટ ગુમાવતા 48,800 અને ત્યારબાદ 47,000 સુધી પહોંચે તો નવાઇ નહીં. હવેના દરેક ઘટાડે નવા રોકાણ માટે નવી તકનું નિર્માણ થઇ રહ્યું છે, જોકે એકસામટા રોકાણના બદલે કટકે-કટકે રોકાણનો વ્યૂહ અપનાવવો ફાયદામંદ રહેશે.