વડોદરાઃ ઓટોમોબાઇલ સેક્ટરમાં ગુજરાતની આગેકૂચને બ્રેક મારે તેવા સમાચાર જનરલ મોટર્સ (જીએમ) તરફથી આવ્યા છે. અમેરિકન કારઉત્પાદક કંપની જનરલ મોટર્સે મધ્ય ગુજરાતનો હાલોલ પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી છે. કોઇ મલ્ટીનેશનલ કાર કંપની દ્વારા ગુજરાતમાં સ્થપાયેલો આ પહેલો પ્લાન્ટ હતો.
જનરલ મોટર્સ દ્વારા બુધવારે કરાયેલી સત્તાવાર જાહેરાતમાં જણાવાયું હતું કે પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલો પ્લાન્ટ જૂન-૨૦૧૬માં બંધ કરાશે. આ સાથે કંપનીએ મહારાષ્ટ્રમાં રૂ. ૬૪૦૦ કરોડના રોકાણની જાહેરાત કરી છે.
ભારતના અન્ય રાજ્યોમાંથી ઓટો કંપનીઓ તેમના પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત આવી રહી છે ત્યારે જનરલ મોટર્સે તેનો હાલોલ પ્લાન્ટ બંધ કરીને મહારાષ્ટ્રના તાલેગાંવમાં ઉત્પાદન વધારવાની જાહેરાત કરી છે. જનરલ મોટર્સના સીઈઓ મેરી બારાએ આ જાહેરાત કરી છે.
૧૯૯૬માં ગુજરાતમાં આવેલી પ્રથમ ઓટો કંપની જનરલ મોટર્સનું કરોડો રૂપિયાનું રોકાણ છે ત્યારે કંપનીના આ નિર્ણયથી કર્મચારીઓમાં હતાશાની લાગણી જન્મી છે. ૧૧૦૦ જેટલા કાયમી કર્મચારીઓ અને એટલા જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ધરાવતી આ કંપની ૨૦૧૬ના જૂનથી બંધ થશે તેવી જાહેરાતથી ઘણા કર્મચારીઓના પરિવારો ચિંતામાં મુકાયા છે.
હાલોલ પ્લાન્ટ વેચાઇ જશે?
જનરલ મોટર્સ કંપની દ્વારા કર્મચારીઓને અપાયેલી માહિતીમાં એમ પણ જણાવાયું છે કે કંપની તેનો પ્લાન્ટ અન્ય ઓટો કંપનીને વેચી નાખશે. સંભવિત ખરીદનાર કંપની પ્રોડ્કશન ચાલુ રાખે તેવી શક્યતા પણ કંપની તપાસી રહી છે. કંપનીએ એ પણ કબૂલ્યું છે કે તેના નિર્ણયની હાલોલના કર્મચારીઓ ઉપર ગંભીર અસર થશે.
જીએમના વિકાસમાં હાલોલનું પ્રદાન
મધ્ય ગુજરાતના હાલોલમાં ૧૯૯૬માં પ્લાન્ટની સ્થાપના બાદ અત્યાર સુધીમાં કંપનીની વાર્ષિક ઉત્પાદનક્ષમતા ૧.૨૭ લાખ મોટરકાર્સની થઈ છે. જનરલ મોટર્સના હાલોલ પ્લાન્ટના પગલે બેંગ્લોર ખાતે ડિઝાઈન સ્ટુડિયો, તાલેગાંવમાં બીજો પ્લાન્ટ અને ગુડગાંવમાં કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ - માર્કેટિંગ સહિતના વિભાગો ચાલી રહ્યા છે.