મુંબઈઃ વિદેશવાસી ભારતીયોમાં સ્વ-દેશમાં રોકાણ કરવાનું આકર્ષક વધી રહ્યું છે. આર્થિક અચોક્કસતા, રૂપિયાના મૂલ્યમાં નોંધપાત્ર ઘટાડો તેમ જ બેન્કો દ્વારા ઓફર કરવામાં આવતા આકર્ષક વ્યાજ દરને પગલે વિદેશમાં રહેતા ભારતીયો ભારતમાં બેન્ક ડિપેઝિટસમાં મોટાપાયે રોકાણ કરી રહ્યા છે. ગુજરાતમાં પણ એનઆરઆઈ ડિપોઝિટસમાં નોંધપાત્ર વધારો થયો છે.
વર્ષ ૨૦૧૪-૧૫માં ગુજરાતમાં એનઆરઆઈ ડિપોઝિટ્સની રકમ રૂ. ૫૦,૦૦૦ કરોડનું લેવલ પાર કરી ગઈ છે. છેલ્લા ત્રણ વર્ષમાં એનઆરઆઈ (નોન રેસિડન્ટ ઇન્ડિયન) ડિપોઝિટસ ગુજરાતમાં ૧૧૫ ટકા વધી છે. ૨૦૧૩-૧૪માં ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ એફસીએનઆર એકાઉન્ટસ માટે લિબોર રેટમાં વધારો કર્યો હતો. અમેરિકામાં જે વ્યાજદર મળે છે એના કરતાં ભારતમાં ૧.૫૦થી ૨ ટકા વધારે વ્યાજ મળે છે. વિદેશમાં જે કુલ ભારતીયો વસવાટ કરે છે એમાં ગુજરાતીઓનો હિસ્સો ૩૩ ટકા જેટલો છે. એનઆરઆઈ ડિપોઝિટ્સના મામલે રાષ્ટ્રીય સ્તરે ગુજરાત પાંચમા ક્રમે છે.
રિઝર્વ બેન્કની માહિતી મુજબ ૨૦૧૪-૧૫માં ભારતમાં એનઆરઆઈ એકાઉન્ટ્સમાં ૧૧૫ બિલિયન ડોલર એટલે કે ૭ લાખ કરોડ રૂપિયા હતા. એમાં ગુજરાતનો હિસ્સો ૭.૭૮ ટકાનો છે. ગુજરાતમાં કુલ બેન્ક ડિપોઝિટ્સ રૂ. ૪.૯૦ લાખ કરોડ જેટલી છે. એમાંથી ૧૧.૧૩ ટકા એટલે કે રૂ. ૫૪,૫૭૪ કરોડ એનઆરઆઈ ડિપોઝિટસ છે. માર્ચ ૨૦૧૪ના અંતે એનઆરઆઈ ડિપોઝિટ્સની રકમ રૂ. ૪૬,૯૫૩ કરોડ જેટલી હતી.
ગુજરાતમાં વર્ષ ૨૦૧૧-૧૨માં એનઆરઆઇ થાપણનો આંકડો રૂ. ૨૫,૪૦૦ કરોડ (કુલ થાપણના ૮.૦૧ ટકા), ૨૦૧૨-૧૩માં રૂ. ૩૩,૧૧૪ કરોડ (૮.૯૬ ટકા), ૨૦૧૩-૧૪માં રૂ. ૪૬,૯૫૩ કરોડ (૧૦.૯૫ ટકા) અને ૨૦૧૪-૧૫માં રૂ. ૫૪,૫૭૪ કરોડ (૧૧.૧૩ ટકા) નોંધાયો હતો.