પેરિસઃ સર્ચ એન્જિન ગૂગલના ફ્રાન્સમાં આવેલા હેડ ક્વાર્ટર પર કરોડો ડોલરના ટેક્સ ફ્રોડના મામલે દરોડા પાડવામાં આવ્યા છે. ૧૦૦ જેટલા ટેક્સ અધિકારીઓની ટીમે સેન્ટ્રલ પેરિસમાં આવેલી ગૂગલની ઓફિસ પર દરોડો પાડયો હતો. આ અહેવાલ અંગે ગૂગલે જણાવ્યું હતું કે, 'અમે ફ્રાન્સમાં તમામ કાયદાનું પાલન કરીએ છીએ. ઓથોરિટીને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ અને તેમના સવાલોના જવાબ આપી રહ્યા છીએ.' ગૂગલ પર ૧.૮ બિલિયન ડોલરનો ટેક્સ નહીં ચૂકવવાનો આરોપ છે.
અહેવાલમાં જણાવાયું છે કે પેરિસમાં ગૂગલના અધિકારીઓની બુધવારે સવારથી જ પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. ફ્રાન્સના સમાચારપત્ર ‘લી પેરિસિયન’એ લખ્યું છે કે, ફ્રાન્સ, બ્રિટન અને ઘણા દેશો ફરિયાદ કરી ચૂક્યા છે કે મોટી ટેક કંપનીઓ તેમના દેશમાં નફો રળે છે, પરંતુ આ કંપનીઓની ટેક્સની ચૂકવણીનો બેઝ અન્ય દેશોમાં હોય છે જ્યાં કોર્પોરેટ ટેક્સ રેટ ઘણો ઓછો હોય છે. ગૂગલના ટેક્સ સ્ટ્રક્ચર મુજબ તેને આયરલેન્ડમાં ટેક્સ પેમેન્ટની મંજૂરી છે.
રોયટર્સ મુજબ, ગૂગલ આયરલેન્ડ લિમિટેડ ફ્રાન્સમાં ફાઇનાન્શિયલ લાયેબિલિટીઝ નિભાવવામાં નિષ્ફળ રહી છે. જાન્યુઆરીમાં ગૂગલે ટેક્સ ઓથોરિટીઝ સાથે ૨૦૦૫થી ૧૩ કરોડ પાઉન્ડ એક્સ્ટ્રા ટેક્સ પેમેન્ટની ડીલ કરી હતી, પરંતુ તેની ઘણી ટીકા થઈ હતી. યુકેની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીએ જણાવ્યું છે કે, ૧૩ કરોડ પાઉન્ડની ટેક્સ ડીલ ખૂબ ઓછી છે.
ટેક્સ ઓથોરિટી સાથે સોદાબાજી
યુરોપિયન દેશોમાં ટેક્સની ચુકવણીની પ્રક્રિયા ખૂબ જટિલ છે. ગૂગલના મામલે યુરોપિયન કોમ્પિટિશન ઓથોરિટી તપાસ કરી રહી છે કે મોટી કંપનીઓ દેશોની ટેક્સ ઓથોરિટીની સાથે ડીલ કરે છે તે ગેરકાયદે તો નથીને? એપ્રિલમાં યુરોપિયન યુનિયન (ઇયુ)એ કહ્યું હતું કે, મોટી કંપનીઓને ટેક્સ અંગે વધુ જાણકારી પૂરી પાડવા માટે ફરજ પાડવી જોઇએ.