ચીનને પછાડી બાંગ્લાદેશમાં ૧.૬ બિલિયન ડોલરનો પ્રોજેક્ટ મેળવતું ભારત

Thursday 25th February 2016 02:26 EST
 
 

નવી દિલ્હીઃ ભારતની એન્જિનિયરીંગ સેક્ટરની મોખરાની કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ (‘ભેલ’)એ ચીનની કંપનીઓને પાછળ રાખીને બાંગ્લાદેશમાં પાવર પ્લાન્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મેળવ્યો છે. આશરે ૧.૬ બિલિયન ડોલરનો આ કોન્ટ્રેક્ટ મેળવવા માટે ઘણા સમયથી ચીન અને ભારતની કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધા ચાલી રહી હતી. છેવટે ભારતની કંપનીએ આ કોન્ટ્રેક્ટ મેળવવામાં સફળતા હાંસલ કરી છે.
ચીનને છેલ્લાં કેટલાક સમયમાં શ્રીલંકામાં મોટા પ્રોજેક્ટ મળ્યા હતા તે ઉલ્લેખનીય છે. આ સંજોગોમાં ભારત માટે બાંગ્લાદેશનો પ્રોજેક્ટ મેળવવો ખૂબ જ જરૂરી હતો. ચીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટના નામે આ દેશોમાં પોતાનું પ્રભુત્વ જમાવવા મથતો હતો. ચીન સમુદ્રમાં પણ પોતાની તાકાત વધારવા મથી રહ્યો છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માંડીને આફ્રિકાના છેવાડાના તટે આવેલા દજિબાઉટી સુધી ચીને પોતાના નેવલ બેઝ બનાવ્યા છે. બાંગ્લાદેશમાં પણ પોતાના પ્રોજેક્ટ સ્થાપવા પાછળ તેનો આશય સમુદ્રમાં પોતાની તાકાત વધારવાનો જ હતો.
આ સંજોગોમાં ભારતને બાંગ્લાદેશનો પ્રોજેક્ટ મળ્યો તે એક મોટી સફળતા માનવામાં આવે છે. લગભગ છેલ્લાં એક વર્ષથી બન્ને દેશની કંપનીઓ આ પાવર પ્લાન્ટ કોન્ટ્રેક્ટ માટે પ્રયાસ કરી રહી હતી. ૨૮ ફેબ્રુઆરીના રોજ ‘ભેલ’ હવે દક્ષિણ બાંગ્લાદેશના ખુલના ખાતે ૧,૩૨૦ મેગાવોટનો પાવર પ્લાન્ટ બનાવવાના કરારો પર હસ્તાક્ષર કરશે.
બાંગ્લાદેશના એક અધિકારીએ જણાવ્યું કે, ચીનની હર્બિન ઇલેક્ટ્રિકલ્સ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડે આ પ્લાન્ટ મેળવવા માટે પ્રયાસ કર્યા હતા, પણ ટેકનિકલ કારણોસર તેને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો નહોતો. બાંગ્લાદેશ-ભારત ફ્રેન્ડશિપ પાવર કંપની લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું કે, સૌથી સસ્તી બોલી લગાવવાના કારણે ‘ભેલ’ને આ કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter