મુંબઇઃ ચીનના શેરબજારમાં નોંધાયેલા કડાકાએ વિશ્વભરના શેરબજારોને હચમચાવી નાખ્યા છે. ચાઇનીઝ મૂડીબજારમાં જોવા મળેલી નબળાઇના પગલે વિશ્વસ્તરે એક નવી આર્થિક કટોકટીની દહેશત જાગી છે. ચીનની નબળાઇમાં દુનિયાભરનાં, ખાસ કરીને એશિયન અને મિડલ-ઇસ્ટનાં માર્કેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. કોમોડિટી બજારોમાં પણ આંચકા જોવાયા છે. કેટલાક દેશોની કરન્સીને પણ અસર થવા લાગી છે.
ચાઈનીઝ શેરબજારનો શાંઘાઇ ઇન્ડેક્સ બુધવારે એકઝાટકે ૫.૯ ટકા તૂટીને ૩,૫૦૭ બંધ રહ્યો છે, જે ૧૨ જૂનની ૫,૧૬૬ની સાડા આઠ વર્ષના સર્વોચ્ચ સ્તરના મુકાબલે ૩૨ ટકાનો કડાકો સૂચવે છે. આ સાથે જ ચાઈનાનું માર્કેટ કેપ ૧૦ લાખ કરોડ ડોલરની સર્વોચ્ચ સપાટીથી ઘટીને ૬.૧ લાખ કરોડ ડોલર થઇ ગયું છે. મતલબ કે ૩.૯ લાખ કરોડ ડોલર અર્થાત્ ૨૪૮ લાખ કરોડ રૂપિયા મંદીમાં સ્વાહા થઈ ગયા છે! ઉલ્લેખનીય છે કે ભારતીય શેરબજારનું માર્કેટકેપ રૂ. ૧૦૨ લાખ કરોડનું છે!
જૂનના મધ્ય ભાગ પછી ચાઇનીઝ શેરબજારનો 'ફ્રી-ફોલ' શરૂ થતાં ચાઇનીઝ કંપનીઓ તરફથી તેમના શેરનું ટ્રેડિંગ સ્વૈચ્છિક રીતે સસ્પેન્ડ કરવાનું શરૂ કરાયું હતું. ગણીગાંઠી કંપનીઓ તરફથી શરૂ થયેલું આ પગલું બુધવારે પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું, જેમાં ૫૦૦ કંપનીઓ દ્વારા ટ્રેડિંગ સસ્પેન્ડ કરાયાની જાહેરાત થઈ હતી. સરવાળે આવી કંપનીઓની કુલ સંખ્યા ૧,૩૩૧ થઈ છે. આ આંકડો કુલ લિસ્ટેડ કંપનીઓના ૪૨ ટકા થવા જાય છે! આના લીધે ૨.૬ લાખ કરોડ ડોલર એટલે કે ૧૬૫ લાખ કરોડ રૂપિયાના શેર ટ્રેડિંગ-વિહોણા બની ગયા છે!
આ સિવાય જેમાં ટ્રેડિંગ થાય છે તેમાંથી ૭૪૭ કંપનીઓ બુધવારે ૧૦ ટકાની મંદીની સર્કિટમાં રહી હતી. આ ધોરણે હાલ પૂરતું ૭૦ ટકા ચાઈનીઝ શેરબજાર ‘ઇલ્લીક્વિડ’ થઈ ગયું ગણાય.
ચાઈનીઝ શેરબજારમાં હાલની કટોકટી ૧૯૯૨ પછીની સૌથી વરવી સ્થિતિ છે. નિષ્ણાતો શાંઘાઇ ઇન્ડેક્સ વધુ ઘટવાની અને ૨,૫૦૦ સુધી જવાની ધારણા મૂકે છે. ચીની શેરબજારોમાં વ્યાપેલા ભયના મોજાના કારણે ભારત સહિત સમગ્ર એશિયાના શેરબજારો ધરાશાયી થયાં છે.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ બુધવારે ૪૮૪ પોઇન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૧૪૮ પોઇન્ટ તૂટતાં શેરધારકોની મૂડીમાં એક લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થયું હતું.
ચીનમાં કડાકો કેમ થયો?
• અર્થતંત્ર સ્લોડાઉનમાં હોવા છતાં શેરબજાર એક જ વર્ષમાં ૧૫૦ ટકા વધી ગયું હતું.
• ઇક્વિટી કલ્ચરને પ્રોત્સાહન આપવાના ક્રેઝમાં લોકોને શેરબજારમાં રોકાણ કરવા છૂટા હાથે ધિરાણ અપાયું.
• ઉદાર માર્જિન ફંડિંગની સુવિધાથી લોકો દ્વારા ગજા બહારનું રોકાણ અને ટ્રેડિંગ કરાયું.
• બજાર થોડાં કરેક્શનમાં આવ્યું તો હાર્યો જુગારી બમણું રમેની મનોવૃત્તિથી કરવા માંડયાં
• માર્જિન ફંડિંગ અને માર્જિન લોનનું ચક્કર બગડવા માંડયુ, શેરના ભાવ તૂટવા લાગ્યા.
• માર્જિન ફંડિંગનો આંકડો એક તબક્કે તાજેતરમાં ૩૫૫ બિલિયન ડોલર અર્થાત્ ભારતની સમગ્ર ફોરેક્સ રિઝર્વ કરતાંય મોટો થઈ ગયો હતો!