શાંઘાઈઃ ચીનના ઝેંગ્ઝા ખાતે આઇફોન ઉત્પાદન કરતા ફોક્સકોન ટેકનોલોજીના પ્લાન્ટમાં અશાંતિનો માહોલ ફેલાયો છે. કોરોના મહામારીના પગલે છેલ્લા એક મહિનાથી આકરા પ્રતિબંધ હેઠળ રહેલા કર્મચારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને તેમણે સુરક્ષાકર્મીઓ સાથે હિંસક અથડામણ કરી હતી. કર્મચારીઓ ભોજનસામગ્રીથી માંડીને દવા અને વેતનને મુદ્દે હિંસક દેખાવો કર્યા હતા. આના કેટલાક વીડિયો પણ બહાર આવ્યા હતા. આ વીડિયો ક્લીપિંગ્સના આધારે બ્લૂમબર્ગે પ્લાન્ટમાં કર્મચારીઓના હિંસાક દેખાવો અંગે અહેવાલો આપ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક કામદારો શ્વેત વસ્ત્રો ધારણ કરેલા પ્લાન્ટના સુરક્ષા ગાર્ડ સાથે અથડામણમાં ઉતર્યા હતા. એક અન્ય વીડિયોમાં ગાર્ડ જમીન પર પટકાઈ ગયેલા કામદારને લાતોનો માર મારી રહ્યા હતા. ફાઇટ... ફાઇટનો સૂત્રોચ્ચાર પણ વીડિયોમાં સાંભળી શકાય છે. એક બીજા વીડિયોમાં કામદારો બેરિકેડ્સ પાર કરીને એક પોલીસ કારને ઘેરીને મારપીટ જોવા મળ્યા હતા. એક અન્ય વીડિયોમાં જોઈ શકાય છે કે નારાજ કામદારોએ કોન્ફરન્સ ખંડમાં મેનેજરને ઘેરી લીધા હતા. તે કામદારો તેમના કોવિડ ટેસ્ટ કરાવવા અવાજ ઉઠાવી રહ્યા હતા. એક કામદારે કહ્યું હતું કે, ‘હું આ સ્થાનથી જ ગભરાઈ ગયો છું. અમે બધા હવે કોવિડ પોઝીટિવ હોઈ શકીએ છીએ.’ એક વ્યક્તિએ કહ્યું હતું કે, ‘તમે અમને મોતના મુખમાં મોકલી રહ્યા છો.’ ઘટનાને નજરે નિહાળનારે જણાવ્યું હતું કે સેલેરી ના થતાં અને સંક્રમણ ફેલાવાની આશંકાને કારણે કામદારો ઉશ્કેરાયા લાગે છે. ઘટનામાં અનેક કામદાર ઘાયલ થયા હતા.
ઝેંગ્ઝો ખાતે ધમધમતા આ આઇફોન સિટીમાં બે લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. તે પૈકી મોટાભાગના કામદારોને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. લાંબા સમયથી ખૂબ સાધારણ ભોજન મળી રહ્યું છે અને દવાઓ માટે પણ અન્યો પર નિર્ભર રહેવું પડે છે. તેવામાં કેટલાક લોકો તો પ્લાન્ટમાંથી ભાગી ગયા હતા. ફોક્સકોન અને સ્થાનિક સરકારે હવે નવા કર્મચારીઓને આકર્ષવા માટે વધુ વેતન અને સારી વર્ક કંડિશનનું વચન આપ્યું છે.