નવી દિલ્હીઃ ગયા પખવાડિયે ફ્રાન્સ, જર્મની અને કેનેડાનો પ્રવાસ કરીને પરત ફરેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હવે આવતા પખવાડિયે ચીનના પ્રવાસે જશે. વડા પ્રધાન પદના શપથગ્રહણ કર્યા બાદ તેમનો આ પહેલો ચીન પ્રવાસ હશે. વડા પ્રધાનના ચીન પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે વચ્ચે એવા અહેવાલ છે કે ગૃહ મંત્રાલય ચીનની કંપનીઓ ભારતમાં જંગી મૂડીરોકાણ કરી શકે તે માટેના નિયમો સહેલા બનાવવા માટે કામ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતની ગુપ્તચર એજન્સીઓએ ઉઠાવેલા વાંધાને કારણે ચીની કંપનીઓના ભારતમાં રોકાણ પર અનેક નિયંત્રણો લાદવામા આવ્યાં છે.
સૂચિત નવી યોજના હેઠળ ચીનની મૂડીરોકાણની બધી દરખાસ્તો વિશે ૬૦ દિવસમાં નિર્ણય લેવાઈ જશે. તેમાં કહેવાતા સંવેદનશીલ ક્ષેત્રોની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવશે. આ કામ જુદા જુદા મંત્રાલયો વચ્ચે ચર્ચા પછી કરવામાં આવશે. અગાઉના કેટલાય વર્ષોથી ભારત અને ચીનના સંબંધો ખાટામીઠા રહ્યા છે. ૧૯૬૨માં બંને દેશો વચ્ચે યુદ્ધ પણ થયું હતું.
ગયા વર્ષે નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા તે પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત લેનાર પહેલા આંતરરાષ્ટ્રીય નેતા હતા. બીજી બાજુ, છેલ્લા કેટલાક મહિનામાં ભારતીય સરહદમાં ચીનની ઘૂસણખોરીના સમાચાર પણ આવતા રહ્યા છે. ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ચીની કંપનીઓ માટે મૂડીરોકાણના નિયમોને હળવા બનાવવા જરૂરી છે કારણ કે ચીનની સાથે ભારતની વ્યાપારખાધ લગભગ ૩૬ બિલિયન ડોલર છે. આ સમસ્યાને દૂર કરવી જરૂરી છે. ભારતમાં મેન્યુફેકચરિંગ ક્ષેત્ર અને અહીંની બીજી કંપનીઓમાં ચીનના મૂડીરોકાણને પ્રોત્સાહન આપીને આ સમસ્યા દૂર થઈ શકે છે. આ ઉપરાંત આ મોદી સરકારની 'મેક ઇન ઈન્ડિયા' પહેલ સાથે સુસંગત પણ છે.
અહેવાલ અનુસાર, વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ)એ ગૃહ મંત્રાલયને મોદીની ચીનની યાત્રા પહેલાં મૂડીરોકાણના નિયમોને હળવા બનાવવા જણાવ્યું છે. ગુપ્તચર એજન્સીઓએ ટેલિકોમ, વીજળી, અંતરીક્ષ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીજા કેટલાક ક્ષેત્રોમાં ચીની કંપનીઓના મૂડીરોકાણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
ભારત સરકાર સંવેદનશીલ ક્ષેત્રોની યાદી બનાવી રહી છે. ભારતમાં કોઈ ચીની કંપની મૂડીરોકાણ કરશે તો તેણે દર્શાવવું પડશે કે તેની આંતરિક પેટર્ન કેવી છે એટલે કે કઈ વ્યક્તિઓ કંપનીની માલિક છે. ઓટોમેટિક અથવા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (એફઆઈઆઈ)ના માર્ગે થનારા મૂડીરોકાણ વિશેનો નિર્ણય ૬૦ દિવસમાં કરી દેવામાં આવે તેવી દરખાસ્ત છે.