મુંબઇઃ બિલિયોનેર જિંદાલ ભાઈઓ એકબીજાની કંપનીઓમાં રહેલા હિસ્સાના જટિલ માળખાની જગ્યાએ વધારે સરળ માળખું અમલમાં મૂકવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
અહેવાલ અનુસાર, સ્વ. પિતા ઓ. પી. જિંદાલે ચારે ભાઈઓને એકબીજા સાથે જોડાયેલા રાખવાના ઈરાદા સાથે જે માળખું રચ્યું હતું તેની જગ્યાએ નવું માળખું રચીને ચારેય ભાઈ માર્કેટ ગવર્નન્સની આધુનિકતા અને પારદર્શિતા સાથે તાલ મિલાવવા માંગે છે.
પિતાએ રોપેલાં બીજ આજે ૧૮ બિલિયન ડોલરના જિંદાલ ગ્રૂપમાં ફેરવાઈ ગયા છે. વધારે સરળ અને ટેક્સના નિયમો સાથે સુસંગત હોય તેવું માળખું તૈયાર કરવા માટે તેમણે સાથે મળીને વૈશ્વિક કન્સલ્ટન્ટ ઈવાયની નિમણૂક કરી છે. હવે પ્રત્યેક લિસ્ટેડ કંપનીઓમાંનો હિસ્સો ચારેય ભાઈઓ અને માતા સાવિત્રી જિંદાલ વચ્ચે વહેંચવામાં આવશે.
જિંદાલ ગ્રૂપના મોભી ઓ. પી. જિંદાલે ઘણાં વર્ષો પહેલાં માલિકીપણાની વહેંચણી એવી રીતે કરી હતી કે જેથી તેમના ચારેય દીકરાઓ વચ્ચે બિઝનેસની સંપત્તિની સમાન વહેંચણી થઈ શકે અને એકબીજાની કંપનીની વૃદ્ધિથી પરિવારના પ્રત્યેક સભ્યને લાભ થાય અને બધા એકસંપ રહે.
તેમના અવસાન બાદ સૌથી મોટા પુત્ર પૃથ્વીરાજ જિંદાલે સ્ટીલ પાઈપ બિઝનેસનું વડપણ સંભાળ્યું હતું જ્યારે સજ્જન જિંદાલને કાર્બન સ્ટીલ બિઝનેસ વારસામાં મળ્યો હતો. નવીન જિંદાલને રેલવે અને પાવર બિઝનેસ મળ્યો હતો જ્યારે સ્ટેનલેસ સ્ટીલ બિઝનેસ રતન જિંદાલને ફાળે આવ્યો હતો.
‘ધ ઇકોનોમિક ટાઇમ્સ’માં જણાવાયું હતું કે આ અંગે ચારેયને વિગતવાર પ્રશ્નોતરી મોકલવામાં આવી હતી, પરંતુ કોઈએ જવાબ આપ્યો નહોતો. સંભવ છે કે ટેક્સના નિયમોની અસર સમજવી જરૂરી હોવાથી આ પ્રક્રિયામાં સમય લાગી જશે. શેરના ભાવ પર વધારે પડતી અસર ન પડે તે રીતે સમગ્ર પ્રક્રિયા પાર પાડવાની હોવાથી સમય તો લાગશે.
અહેવાલમાં જણાવાયું હતું કે ચારેય ભાઈ પોતપોતાની કંપનીમાં રહેલો અન્ય ભાઈઓનો હિસ્સો તબક્કાવાર ખરીદી લેશે. ચારેય ભાઈઓએ એવી પણ સહમતી સાધી છે કે, માતા સાવિત્રી જિંદાલ પાસે જે કંપનીમાં હિસ્સો છે તે હિસ્સો તે કંપનીના માલિકને વારસમાં મળશે. જેમ કે, સજ્જન જિંદાલની કંપની JSW સ્ટીલ અને JSW એનર્જીમાં રહેલો સાવિત્રી જિંદાલનો હિસ્સો સજ્જનને વારસામા મળશે. આ જ રીતે નવીનને પણ પોતાની કંપનીમાં રહેલો માતાનો હિસ્સો મળશે. એક પરિચિત વ્યક્તિએ નામ ગુપ્ત રાખવાની શરતે કહ્યું હતું કે, ‘જ્યારે આ માળખું રચવામાં આવ્યું ત્યારે તે આવા પ્રકારનું અનોખું માળખું હતું કારણ કે તે ચારેય ભાઈઓને એકસંપ તો રાખતું જ હતું પણ ચારેયને પોતપોતાની મહત્ત્વકાંક્ષા હાંસલ કરવાની છૂટ પણ આપતું હતું. જોકે નેકસ્ટ જનરેશન પાસે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા રહેશે. ક્રોસ-હોલ્ડિંગ ખૂબ જટિલ છે અને બહુ વિલંબ થઈ જાય તે પહેલાં તેને સરળ બનાવવું જરૂરી છે. ૨૦૦૫થી સજ્જન અને નવીન જિંદાલે પાવર અને સિમેન્ટ બિઝનેસ પણ શરૂ કર્યાં છે. સજ્જનની કંપનીઓ (JSW સ્ટીલ અને JSW એનર્જી)નું બજારમૂલ્ય તો તમામ ભાઈઓની કંપનીઓના સંયુક્ત બજારમૂલ્ય કરતાંયે ઘણું વધારે છે.’
અહેવાલમાં ઈક્વેશન્સ મેનેજમેન્ટ કન્સલ્ટિંગના સહ-સ્થાપક અને ફેમિલી બિઝનેસ એડવાઈઝરીના હેડ મિતા દિક્ષિતને ટાંકીને જણાવાયું હતું કે આ દૂરંદેશીભર્યું પગલું છે. કેટલાંક ભારતીય પારિવારિક બિઝનેસ જૂથો ખૂબ જ મોટાં છે અને તેમનો પરિવાર આંતરિક રીતે એવી રીતે સંકળાયેલો છે કે તેને છૂટા પાડવા બહુ મુશ્કેલ છે. પારિવારિક જોડાણને બિઝનેસથી અલગ રાખવું જ શ્રેષ્ઠ છે.
ઓ. પી. જિંદાલે જે માળખું રચ્યું હતું તેની પાછળનો હેતુ પરિવારને એક સાથે રાખવાનો હતો, પરંતુ કોર્પોરેટ ગવર્નન્સની વાત આવે ત્યારે ક્રોસ-હોલ્ડિંગ વધારે ટકી શકે નહીં અને સ્વતંત્ર પરિવારના બિઝનેસ સ્વતંત્ર રીતે જ વિક્સે તે જરૂરી છે. રતન જિંદાલની કંપની જિંદાલ સ્ટેઈનલેસ જંગી ઋણબોજનો સામનો કરી રહી છે, જ્યારે પૃથ્વીરાજ જિંદાલની કંપની જિંદાલ સોની સામે અન્ય બિઝનેસમાં પ્રવેશવાથી થયેલા નુકસાન અને કોમોડિટીના ભાવમાં આવેલા કડાકાના પડકાર છે.
જોકે, ચારેય ભાઈઓ આજે પણ એકબીજા સાથે હૂંફાળા સંબંધ ધરાવે છે અને હિસ્સામાં આવેલા પરંપરાગત ઘરમાં જ વિવિધ તહેવારો ઊજવે છે. રતન જિંદાલને મદદ કરવા માટે ચાલુ વર્ષના પ્રારંભમાં સજ્જન, નવીન અને પૃથ્વીરાજે પોતાના પૈસા નાંખીને તેમને ઉગાર્યા હતા. સજ્જને ૨૦૦૦ની સાલમાં અમેરિકામાં મોટા ભાઈ પૃથ્વીરાજ જિંદાલની ખોટ ખાતી પ્લેટ અને પાઈપ મિલ્સ રૂ. ૩૪૦૦ કરોડમાં ખરીદી હતી.