લંડનઃ યુકેસ્થિત કાર ઉત્પાદક જેગુઆર લેન્ડ રોવર સેન્ટ્રલ યુરોપના સ્લોવેકિયામાં એક બિલિયન પાઉન્ડના ખર્ચે ફેક્ટરી સ્થાપશે. ભારતીય તાતા ગ્રૂપની માલિકી હેઠળ ઝડપી પ્રગતિ સાધી રહી છે અને દરિયાપાર આ તેનો ત્રીજો એસેમ્બલી પ્લાન્ટ હશે. સંપૂર્ણપણે નવા એલ્યુમિનિયમ વાહનો માટેના પ્લાન્ટમાં ૨,૮૦૦ વર્કરને નોકરી મળશે.
કંપનીએ ગયા વર્ષે ઓક્ટોબરમાં શાંઘાઈની બહાર પ્રથમ ઓવરસીઝ ફેક્ટરી સ્થાપી હતી અને બ્રાઝિલમાં પ્લાન્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. સ્લોવેક પ્લાન્ટનું બાંધકામ આગામી વર્ષે શરૂ કરાશે અને તેની પ્રાથમિક ક્ષમતા ૧૫૦,૦૦૦ વાહનની હશે. સ્લોવેકિયા ઓટોમોટિવ એક્સપોર્ટ કેન્દ્ર તરીકે ઝડપથી વિકસી રહ્યું છે. ૨૦૧૪માં તેની ફેક્ટરીઓમાં પ્રતિ ૧,૦૦૦ નાગરિક ૧૭૯ વાહનોનું ઉત્પાદન થયું હતુ. જર્મની, યુએસ અને ફ્રાન્સમાં આ આંકડા અનુક્રમે ૭૩, ૩૭ અને ૨૮ વાહનના છે.