જેટ એરવેઝ દ્વારા ગયા મહિને રેડિસન બ્લુ હોટેલ ખાતે યોજાયેલ શાનદાર સમારોહમાં વિખ્યાત સાઉથોલ ટ્રાવેલ્સને સતત સાતમી વખત 'બેસ્ટ અોવરઅોલ એજન્ટ'નો એવોર્ડ એનાયત કરાયો હતો. લંડન સ્થિત સાઉથોલ ટ્રાવેલ્સને સૌ પ્રથમ આ સન્માનનીય એવોર્ડ ૨૦૦૭માં મળ્યો હતો અને તે પછી દર વર્ષે આ એવોર્ડ મળી રહ્યો છે. સાઉથોલ ટ્રાવેલ્સ વતી આ એવોર્ડ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર કુલજીંદર બહીયાએ સ્વીકાર્યો હતો.
સાઉથોલ ટ્રાવેલ્સે ૧૯૮૪થી બ્રિટિશ એશિયન સમુદાયની સેવાનો પ્રારંભ કર્યો હતો અને છેલ્લા ત્રણ દાયકાઅોથી સર્વશ્રેષ્ઠ સેવાઅો દ્વારા આ ક્ષેત્રનું સફળ અને જાણીતું નામ બની ગયું છે. સાઉથોલ ટ્રાવેલ્સને સમગ્ર યુકેની જનતા તરફથી માન્યતા મળી ચૂકી છે અને આ ક્ષેત્રની એકમાત્ર કંપની છે જેનું નામ 'સન્ડે ટાઇમ્સ ટ્રેક ૨૫૦ લીસ્ટ'મા આવ્યું છે. યુકેની ટોચની ૨૫૦ કંપનીઅોની આ યાદીમાં સાઉથોલ ટ્રાવેલ્સનું નામ ૨૦૧૦ અને ૨૦૧૨ના સમયગાળા દરમિયાન કુલ ત્રણ વાર પ્રસિધ્ધ થયું હતું.
કંપનીના એમડી શ્રી બહીયાનો જન્મ યુકેમાં થયો હતો અને તેઅો છેક ૧૯૯૭થી સાઉથોલ ટ્રાવેલ્સનું નેતૃત્વ સંભાળે છે. સાઉથોલ ટ્રાવેલ્સ ભારતના વિવિધ શહેરોની ફ્લાઇટ્સ માટે વિશેષતા ધરાવે છે અને છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અમેરિકા, થાઇલેન્ડ, મોરેશીયસ અને મલેશિયા સહિત વિશ્વના ઘણા બધા શહેરોને જોડતી ફ્લાઇટ્સનો વિસ્તાર કર્યો છે. શ્રી કુલજીંદર બહીયાને તેમના ખૂબજ સુંદર કામ બદલ 'મેનેજમેન્ટ ટુડે' દ્વારા માન્યતા અપાઇ છે અને બ્રિટનના ટોચના ૧૦૦ એન્ટરપ્રીન્યુઅરમાં તેમને ૬૧મો ક્રમ અપાયો હતો.