ઝારખંડની ધરતીનાં પેટાળમાં એક લાખ ટન સોનું!
રાંચીઃ જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (જીએસઆઇ)ના તાજા અભ્યાસના તારણ અનુસાર, ઝારખંડની ધરતીમાં એક લાખ ટન કરતાં પણ વધુ સોનું ધરબાયેલું પડયું હોવાની સંભાવના છે.
જીએસઆઇએ ઝારખંડના તમાડ પ્રદેશમાં ડ્રિલિંગ કરીને નમૂનાની ચકાસણી કરી હતી. જેમાં જાણવા મળ્યું છે કે તમાડની ધરતીમાં સોનાનો વિશાળ ભંડાર ધરબાયેલો પડયો હોઇ શકે. આ ભંડાર એક લાખ ટન જેટલો અને તેની બજારકિંમત ૨૫,૦૦૦ કરોડ રૂપિયા સુધી હોવાનો અંદાજ છે. આ ઉપરાંત નમૂનામાં સોનાની ગુણવત્તા ભારતીય ધોરણો પ્રમાણેની હોવાનો દાવો પણ જીએસઆઇ દ્વારા કરાયો છે.
ઝારખંડના તમાડ જિલ્લાના સિંદુરી, લુંગટુ, હેપસેલ અને પરાસીની ધરતી નીચે સોનાના વિશાળ ભંડારો ધરબાયેલા પડયા હોવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડના સિંહભૂમમાં એક ગોલ્ડ બ્લોક પહેલેથી મળી આવ્યો છે. તમાડની આસપાસના વિસ્તારોમાં ૧૨ સ્થળોએ ડ્રિલિંગ કરાયું હતું. તેના આધારે ઝારખંડના અન્ય વિસ્તારોમાં સોનાના ભંડાર હોવાનો દાવો કરાયો છે.
જીએસઆઇના ઝારખંડ રાજ્યના નિર્દેશક આર. કે. પ્રસાદે ૨૦૧૧માં સરકારને પત્ર લખીને આ વિસ્તારમાં સોનાના ભંડાર હોવાની જાણ કરી હતી. તમાડના સિંદુરી અને પરાસી ગામ સુવર્ણરેખા નદીની નજીક આવેલાં છે. એમ માનવામાં આવે છે કે છોટાનાગપુરની ઘાટીમાંથી નીકળતી આ નદીની રેતીમાંથી સોનાના કણ મળી આવે છે.