પેરિસ: પ્રતિષ્ઠિત ઉદ્યોગગૃહ ટાટા સન્સ હવે આસમાનમાં વ્યવસાયની પાંખ ફેલાવવા પ્રયત્નશીલ છે. ટાટા સન્સે એર એશિયામાં પોતાનો હિસ્સો વધારવા માટે વાટાઘાટ શરૂ કરી હોવાના અહેવાલ છે.
એર એશિયા ઇન્ડિયાની પેરન્ટ કંપનીના એક સિનિયર એક્ઝિક્યુટિવ અને અન્ય એક સૂત્રને ટાંકીને સંભવિત ડિલની માહિતી આપવામાં આવી છે. હાલ ટાટા જૂથ એર એશિયા ઇન્ડિયામાં ૩૦ ટકા હિસ્સો ધરાવે છે. એર એશિયા બરહાદનો હિસ્સો ૪૯ ટકા છે. બાકીનું હોલ્ડિંગ ખાનગી રોકાણકાર અરુણ ભાટિયા પાસે છે. તેમણે ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની ટેલેસ્ટ્રા ટ્રેડપ્લેસ મારફતે એર એશિયામાં રોકાણ કર્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર ટાટા જૂથ ભાટિયાનો હિસ્સો ખરીદશે અને ત્યારપછી એરલાઇનમાં તેમનો હિસ્સો 'બહુ ઓછો' રહેશે.
એર એશિયા બરહાદના એક સિનિયર એક્ઝિક્યુટિવને ટાંકીને અહેવાલમાં જણાવાયું હતું કે ‘(ટાટા સન્સ અને એર એશિયા ઇન્ડિયા વચ્ચે) વાટાઘાટ ચાલી રહી છે અને મારી જાણ પ્રમાણે ટાટા જૂથ હિસ્સો વધારવા ઉત્સુક છે. તેઓ એર એશિયાની કામગીરીથી ખુશ છે.’ ભાટિયાને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, ‘ટાટા જૂથ હિસ્સો ખરીદવા તૈયાર હોય તો મને વેચવામાં કોઈ વાંધો નથી.’
જો સોદો સફળ થશે તો ઉદ્યોગવર્તુળો માટે આશ્ચર્યનો વિષય હશે કારણ કે ભારતમાં બે એરલાઇન સાહસમાં હિસ્સો ખરીદનાર ટાટા જૂથની ભાવિ યોજના અંગે અનિશ્ચિતતાનો માહોલ હતો. ઉલ્લેખનીય છે કે, ટાટા જૂથ સિંગાપોર એરલાઇન્સ સાથેના સંયુક્ત સાહસ વિસ્તારામાં પણ ૫૧ ટકા હિસ્સો ધરાવે છે.
ટાટા જૂથ એર એશિયા ઇન્ડિયામાં હિસ્સો વધારીને એર એશિયા બરહાદ કરતાં થોડોક ઓછો રાખવા માંગે છે. અમુક હિસ્સો કેટલીક વ્યક્તિ તથા સિનિયર ગ્રૂપ એક્ઝિક્યુટિવ્સને અપાશે, જેથી નિયંત્રણ મલેશિયન કંપનીના હાથમાં રહે અને તેના દ્વારા ટાટા જૂથ લગભગ બહુમતી હિસ્સા સાથે કંપનીમાં મહત્ત્વની શેરધારક બની શકે.
બે એરલાઇનમાં ટાટા જૂથનું રોકાણ ભારતીય એવિએશન ઉદ્યોગમાં મોટી છલાંગ ભરવાના ચેરમેન એમિરેટ્સ રતન ટાટાના સ્વપ્નનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, જેઆરડી ટાટા ભારતના પ્રથમ કોમર્શિયલ પાઇલટ હતા અને તેમણે દેશની પહેલી કોમર્શિયલ એરલાઇન શરૂ કરી હતી. ત્યાર પછી સરકારે તેનું નિયંત્રણ મેળવી એરલાઇનને એર ઇન્ડિયા નામ આપ્યું હતું.
એર એશિયા ઇન્ડિયામાં હિસ્સો વધારવાનું પગલું ભારતીય એવિએશન ઉદ્યોગમાં ટાટા જૂથના વધી રહેલા વિશ્વાસનો ખ્યાલ આપે છે. એરલાઇને તાજેતરમાં સામેલ કરેલા વિમાન પર ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન જેઆરડી ટાટાનો ફોટો છે. એર એશિયા ઇન્ડિયાના ઉદ્ઘાટન વખતે રતન ટાટા અને ટોની ફર્નાન્ડિઝ એક મંચ પર ઉપસ્થિત હતા.
જેથી વિસ્તારા ટાટા જૂથની પસંદગીની એરલાઇન હોવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ડોમેસ્ટિક એર ટ્રાફિકમાં ૧૩.૯ ટકા અને વૈશ્વિક પેસેન્જર્સની સંખ્યામાં ૯ ટકાનો વધારો નોંધાયો છે.