લંડનઃ ઈયુ રેફરન્ડમ અગાઉ જ બ્રિટનના સ્ટીલ ઉદ્યોગની કટોકટી નિવારવા ખૂબ જ ગંભીર બનેલા વડા પ્રધાન ડેવિડ કેમરનના અંગત હસ્તક્ષેપના પગલે પછી ટાટા સ્ટીલ એના બ્રિટનના સ્ટીલ એકમના વેચાણનો વિચાર હાલ પુરતો મોકુફ રાખી શકે છે. એક અખબારી અહેવાલ અનુસાર વેલ્સના પોર્ટ ટાલ્બોટમા સૌથી મોટા સ્ટીલ પ્લાન્ટ સહિત દેશમાં ટાટાની માલીકીની સ્ટીલની કંપનીઓને હાલ પુરતી નહીં વેચાય, કારણ કે બ્રિટનમાં સ્ટીલની કટોકટીના કારણે ખૂદ બ્રિટનની સરકારની લાખો પાઉન્ડની લોન અને ૨૫ ટકા વેપારમાં ભાગીદારી સહિત અનેક ઓફરો આવી હતી છતાં વેચાણના નિર્ણયને મોકુફ રાખવામાં આવ્યો હતો.
યુકે બિઝનેસ ટાટા સ્વહસ્તક રાખશે ?
ટાટા સ્ટીલ વેચાણ પ્રક્રિયા અટકાવી દઈને તાલબોટ પ્લાન્ટ પોતાને હસ્તક રાખશે તેવી વધેલી અટકળો વચ્ચે ટાટા ગ્રૂપે મુંબઈમાં મળેલી બોર્ડ મિટીંગમાં સાત બિડરોમાંથી ચાર બિડરને શોર્ટલિસ્ટ કર્યા હતા. સૂત્રો દ્વારા પ્રાપ્ત ત્રણ નામમાં ઈન્ડિયન કોમોડિ઼ટીઝ ટાયકૂન સંજીવ ગુપ્તાના લિબર્ટી હાઉસ, લંડન ફેમિલી ઈન્વેસ્ટમેન્ટ ફંડ ગ્રે બુલ કેપિટલ અને અમેરિકન બિલિયોનેર વિલ્બર રોસનું સમર્થન હોવાનું મનાતા એન્ડલેસ ફંડનો સમાવેશ થાય છે. દરમિયાન, ટાટા સ્ટીલે જણાવ્યું હતું કે તે વેચાણ પ્રક્રિયા પ્રત્યે કટિબદ્ધ છે.
ટાટા સ્ટીલને સ્પેશિયલ કેસ ગણવાથી જોખમ
ટાટા સ્ટીલના યુકે ઓપરેશન્સ ખરીદવા માટે ખરીદદારો આકર્ષાય તે માટે તેની પેન્શન ચૂકવણીની જવાબદારી ઘટાડવાની બ્રિટિશ સરકારની યોજના ખોટો દાખલો બેસાડે તેવી પૂરવાર થવાનું જોખમ છે. બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદે તાજેતરમાં મુંબઈમાં ટાટા ગ્રુપના બોર્ડ સભ્યોની મુલાકાત લીધી હતી. બ્રિટિશ સરકારે સક્ષમ ખરીદદારોને સેંકડો મિલિયન પાઉન્ડની આર્થિક સહાયની પણ ઓફર કરી હતી. બ્રિટિશ સ્ટીલ પેન્શનની ખાધમાં પણ ૨૦૦ મિલિયન પાઉન્ડનો વધારો થયો છે. વધુમાં, ટાટા સ્ટીલે તેની યુકે શાખાને આપેલી ૯૦૦ મિલિયન પાઉન્ડ લોનની માંડવાળ કરવાનો ઈનકાર કરતા ડિલ અટવાયું છે. ટાટા સ્ટીલે આ લોન નવા માલિકે ચૂકવવાની રહેશે તેવી શરત મૂકી હોવાનું મનાય છે. ટાટાના આવા વલણથી કેટલાક બિડર હટી ગયા છે.
પેન્શન જવાબદારી ઘટાડવાની યોજના
પેન્શનની જવાબદારી ઘટાડવાની બિઝનેસ સેક્રેટરી સાજિદ જાવિદની યોજનામાં હાલના તેમજ ભાવિ પેન્શનરોને પેન્શનની ચૂકવણીના ખર્ચને રિટેઈલ પ્રાઈસ ઈન્ડેક્સને બદલે કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ સાથે સાંકળવાથી ૧૫ બિલિયન પાઉન્ડની જવાબદારી ઘટીને ૨.૫ બિલિયન પાઉન્ડ થવાની આશા છે. ટાટાના ૧૧,૦૦૦ કર્મચારીઓની નોકરી તથા સપ્લાય ચેઈનમાં સંકળાયેલા હજારો લોકો પર રોજગારીનું જોખમ છે