મુંબઈઃ ભારતની ટોચની સોફ્ટવેર કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસ (ટીસીએસ)નો જૂન ૨૦૧૫ના અંતે પૂરા થયેલા પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ ૨.૦૮ ટકાના નજીવા વધારા સાથે રૂ. ૫,૬૮૪ કરોડ થયો છે. કંપનીએ રૂ. એકના શેરદીઠ ૫૫૦ ટકા એટલે કે રૂ. ૫.૫૦ના વચગાળાના ડિવિડન્ડની ભલામણ કરી છે.
કંપનીના પરિણામો અગાઉ ગુરુવારે શેરનો ભાવ ૨.૮ ટકા ઘટીને રૂ. ૨,૫૨૧.૪૦ની સપાટીએ બંધ રહ્યો હતો. પરિણામો જાહેર થયા બાદ શુક્રવારે શેર લગભગ બે ટકાના વધુ ઘટાડા સાથે ૨૪૭૧.૯૦ના ભાવે બંધ રહ્યો હતો. વીતેલા ક્વાર્ટરમાં કંપનીની કોન્સોલિડેટેડ આવક વધીને રૂ. ૨૬,૪૦૮.૩૭ કરોડની થઈ હતી, જે આગલા વર્ષના સમાન ગાળામાં રૂ. ૨૨,૮૯૮.૧૮ કરોડની હતી.
કંપનીના પરિણામની જાહેરાત કરતાં સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર એન. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે નોર્થ અમેરિકા જેવા માર્કેટમાંથી ડિમાન્ડ વધી છે અને ફાઇનાન્સિયલ સર્વિસ, રિટેઇલ અને લાઇફ સાયન્સ જેવા વિભાગોમાં ડિજીટલ સોલ્યુશનના વોલમ્યૂમમાં વધારો જોવાયો છે. આની અસર કામગીરી પર સકારાત્મક થઈ છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે કંપની દ્વારા આઈપી, ડિજીટલી ક્ષમતા વિસ્તરણ અને તેના સમયસર અમલીકરણ પાછળ નોંધપાત્ર રોકાણ કરાયું છે. આનો લાભ ચાલુ વર્ષની કામગીરી પર જોવા મળશે.
કંપનીનું ઓપરેટિંગ માર્જીન આ ગાળામાં વાર્ષિક ધોરણે ૧૩.૩ ટકા વધીને રૂ. ૬,૭૨૪ કરોડનું રહ્યું હતું. જ્યારે વપરાશ ક્ષમતા ૮૬.૩ ટકાના સ્તરે રહી હતી. આ ગાળામાં ડોલર રેવન્યૂમાં ૩.૫ ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી.