નવી દિલ્હી: વિશ્વનાં ટેક્નોલોજીથી સમૃદ્ધ ટોચના ૨૦ શહેરોની યાદીમાં ભારતનાં બેંગ્લૂરુને સ્થાન મળ્યું છે. એક પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની દ્વારા કરાયેલા સર્વેમાં ટેક-રિચ શહેરોમાં બેંગ્લૂરુને ૧૨મો ક્રમ આપવામાં આવ્યો છે. આ પસંદગીના કારણે ભારતનો 'સિટી મોમેન્ટમ ઇન્ડેક્સ'માં પ્રવેશ શક્ય બન્યો છે.
જોન્સ લેન્ગ લાસાલે (જેએલએલ) નામની પ્રોપર્ટી કન્સલ્ટન્ટ કંપની દ્વારા આ સર્વે થયો હતો. ભારતનાં ટોચનાં ટેક્નોલોજી શહેરોમાં તેનો ૧૨મો ક્રમ હોવાનું જેએલએલ ઇન્ડિયાના ભારત ખાતેના ચેરમેન અને કન્ટ્રીહેડ અનુજ પુરીએ જણાવ્યું હતું. વિશ્વનાં ટેક્નોલોજીથી સમૃદ્ધ ટોપ-૨૦ શહેરોમાં લંડન, સાન જોસ અને બેઇજિંગ ટોચના ત્રણ ક્રમ પર છે. સર્વેમાં ટોપ ટેક્નોલોજી શહેરોની ગણના માટે સારો આર્થિક વિકાસ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ, સ્ટાર્ટઅપ્સની હાજરી અને પ્રાઇમ ઓફિસ સ્પેસ જેવાં પરિબળોને ધ્યાનમાં લેવામાં આવ્યાં હતાં. આઈટી અને આઈટી એનેબલ્ડ સર્વિસિસ માટે કોમર્શિયલ સ્પેસની માગ વધી છે.