લંડનઃ સંજીવ ગુપ્તાના વડપણ હેઠળના બ્રિટિશ મેટલ્સ ગ્રૂપ લિબર્ટી હાઉસે તાતા સ્ટીલની યુકેની એસેટ્સ ખરીદવાની બોલી સબમિટ કરી છે. તાતા જૂથે યુકેમાંથી પીછેહઠ કરવાની જાહેરાત કર્યા પછી સૌપ્રથમ સંજીવ ગુપ્તાએ તેમાં રસ દર્શાવ્યો હતો. તાતાના સાઉથ વેલ્સના વિશાળ પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની મેનેજમેન્ટ ટીમ પણ ખરીદ યોજના પર કામ કરી રહી છે. ૧૧,૦૦૦ નોકરીઓ બચાવવા બ્રિટિશ સરકારે પણ બિઝનેસમાં ૨૫ ટકા ઈક્વિટી હિસ્સો અને અન્ય ખરીદારોને નાણાકીય સહાયની ઓફર કરી છે. તાતા યુકેના બાકીના ઓપરેશન્સ માટે ૬૫થી વધુ બિડર્સે રસ દર્શાવ્યો છે.
લિબર્ટી ગ્રૂપે માર્ચમાં સરકારી મદદ સાથે સ્કોટલેન્ડમાં તાતા સ્ટાલના બે પ્લાન્ટ ખરીદ્યા હતા. સ્કોટિશ સત્તાવાળાઓએ આ બે મિલ ખરીદી લિબર્ટી ગ્રૂપને વેચી હતી. લિબર્ટી હાઉસ લોખંડની કાચી સામગ્રીમાંથી સ્ટીલના ઉત્પાદનના બદલે સ્ટીલના રીસાઈકલિંગમાં વધુ નિષ્ણાત છે.
બ્રિટિશ સરકારની બિઝનેસમાં ૨૫ ટકા ઈક્વિટી હિસ્સો અને અન્ય સહાયની ઓફરના પગલે તાતા ગ્રૂપ તેના યુકે સ્ટીલ બિઝનેસના વેચાણનો પ્રયાસ પડતો મૂકી નફાકારક બનાવવાની દિશામાં આગળ વધી શકે છે. તાતા જૂથ દ્વારા માર્ચ મહિનામાં સ્ટીલ પ્લાન્ટ્સના વેચાણની જાહેરાત કરાયા પછી વડા પ્રધાન ડેવિડ કેમરને તાજેતરમાં સાઉથ વેલ્સના પોર્ટ ટાલ્બોટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. તાતા જૂથના નિર્ણયની સીધી જોખમરુપ અસર ૧૧,૦૦૦ કર્મચારી તેમજ આનુષાંગિક સપ્લાય ચેઈન પર આધારિત લગભગ બમણા કર્મચારીને થવાની શક્યતા છે.
યુકેમાં તાતાનો મુશ્કેલીગ્રસ્ત બિઝનેસ ખરીદવા માગતા ખરીદદારોને તેની સાથે સંકળાયેલ ૨.૫ બિલિયન પાઉન્ડનું પેન્શન ફંડ અવરોધરૂપ બની રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કર્મચારીઓને નિવૃત્તિના લાભની રકમ ચૂકવવાની જવાબદારી આ સોદામાં સૌથી મોટું નડતર મનાય છે.