કોલકતાઃ ગોરખા જનમુક્તિ મોરચા (જીજેએમ) દ્વારા અલગ ગોરખાલેન્ડની માગણી સાથે આંદોલન ચાલતું હોવાથી દાર્જિલિંગમાં લગભગ એક પખવાડિયાથી ટી એસ્ટેટની કામગીરી બંધ પડી છે. પરિણામે અહીંના સુપ્રસિદ્ધ ચા ઉદ્યોગને રૂ. ૧૦૦ કરોડથી વધુના નુકસાનનો ફટકો પડશે. આંદોલનથી દાર્જિલિંગના ૮૭ ટી એસ્ટેટમાંથી સેકન્ડ ફ્લશ ચાની હેરફેરને અસર થઈ છે અને દાર્જિલિંગથી કોલકતાના ઓકશન સેન્ટર ખાતે ચાની આવક પણ ઠપ્પ થઇ ગઇ છે. દાર્જિલિંગ સ્થિત પ્લાન્ટર તથા કોલકાતા ટી ટ્રેડર્સ એસોસિએશનના ચેરમેન અંશુમાન કનોરિયાને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું હતું કે, ‘અમારો અંદાજ છે કે દાર્જિલિંગ ગાર્ડન્સને આ વીકએન્ડ સુધીમાં આશરે રૂ. ૧૦૦ કરોડ સુધીનું નુકસાન થઈ ચૂક્યું છે. દરેક દિવસ વીતવાની સાથે રૂ. પાંચ કરોડનું નુકસાન તેમાં ઉમેરાશે.