સાઉથ લંડનના સાઉથ ફીલ્ડ્ઝ સ્થિત વિમ્બલ્ડન પાર્ક રોડ પર સની ન્યુઝ નામથી છેલ્લા ૨૮ વર્ષથી દુકાન સંભાળતા સુનિલભાઇ (સની) પટેલને મકાન માલીકે દુકાન અને ઘર ખાલી કરવા માટે નોટીસ આપતા દુકાન બચાવવા ઝઝુમતા સની પટેલની મદદે સ્થાનિક રહીશો જોરદાર સંગઠન બનાવીને મદદરૂપ બન્યા છે.
સની પટેલની દુકાનને બચાવવા માટે પટનીના સ્થાનિક એમપી અને ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી જસ્ટીન ગ્રીનીંગ, લંડનના મેયર પદના ઉમેદવાર ઝેક ગોલ્ડસ્મીથ સહિત સ્થાનિક રહેવાસીઅોએ લડતને ટેકો આપ્યો છે.
મૂળ નડિયાદના વતની અને માત્ર દસ વર્ષની ઉંમરે યુકે આવેલા સની પટેલે 'ગુજરાત સમાચાર'ને માહિતી આપતાં જણાવ્યું હતું કે 'મારી દુકાનના માલીકે ૧૯૫૪ના લેન્ડલોર્ડ એન્ડ ટેનન્ટ એક્ટના સેક્શન ૨૫ અંતર્ગત મને નોટીસ આપી દુકાન અને ઘર ખાલી કરવા જણાવ્યું છે. તેમનો ઇરાદો આ દુકાનના સ્થાને રહેણાંક મકાન બનાવવાનો છે અને તે માટે તેમણે વોન્ડઝવર્થ કાઉન્સિલમાં આ માટેની પરવાનગી પણ માંગી હતી. મારી તકલીફને પારખીને ૪૩૦ જેટલા સ્થાનિક રહેવાસીઅોએ વોન્ડ્ઝવર્થ કાઉન્સિલને 'સની ન્યુઝ' દુકાન કોઇ કાળે બંધ ન થાય તે માટે વાંધો દર્શાવતા પત્રો લખ્યા હતા. જેના ફળ સ્વરૂપે વોન્ડ્ઝવર્થ કાઉન્સિલે મકાન માલીકની અરજી સર્વાનુમતે રદ કરી આ સ્થળને એસેકટ અોફ કોમ્યુનિટી સ્ટેટસ જાહેર કર્યું હતું. પરંતુ મકાન માલીકે આ અંગે પ્લાનિંગ ઇન્સપેક્ટર્સને અરજી કરતા તેમણે કાઉન્સિલના ચુકાદાને રદ કર્યા હતા.'
શ્રી પટેલે જણાવ્યું હતંુ કે 'મારી દુકાન બંધ ન થાય તે માટે મને સ્થાનિક રહીશોના બનેલા સાઉથફિલ્ડ્ઝ ટ્રાયેંગલ રેસિડેન્ટ એસોસિએશનનો ખૂબજ સુંદર સહકાર મળી રહ્યો છે અને સૌ ફેસબુક, ચેંજ.અર્ગ વગેરે માધ્યમો દ્વારા મને મદદ કરવા માટે ઝઝુમી રહ્યા છે. રહીશોએ કોર્ટ કાર્યવાહીના ખર્ચા વગેરે માટે અઠવાડીયા પહેલા ફંડની રચના કરી હતી અને અત્યાર સુધીમાં સૌએ £૫,૦૦૦ જમા કર્યા છે. સ્વાભાવીક છે કે એક ભારતીય તરીકે મને આ માટે શરમ આવે, પરંતુ મારા ગ્રાહકો અને સ્થાનિક રહીશોનો આગ્રહ અને લાગણી છે તેને હું અવગણી શકતો નથી. મારી આ દુકાન હું છેલ્લા ૨૮ વર્ષથી ચલાવું છું અને મારૂ ગુજરાન તેના પર ચાલે છે. ૧૪ વર્ષ પહેલા અમે લીઝને રીન્યુ કરી હતી અને અત્યાર સુધીમાં હું ભાડા સહિતની તમામ રકમ નિયમીત રીતે ચૂકવું છું અને કોઇ જ કાનુની નિયમનો અમે ભંગ કર્યો નથી. પરંતુ હવે મકાન માલીક તેમને આ મકાનમાં રહેવા આવવું છે તેમ જણાવી દુકાન ખાલી કરાવવા માંગે છે. હવે મારી પાસે ૯૦ દિવસ છે જો કોર્ટમાં સફળતા નહિં મળે તો મારે દુકાન અને ઘર બન્ને ખાલી કરવા પડશે. અત્યારે તો હું અને મારી પત્ની જૈમી બન્ને આશા વગરના છીએ અને અમે આ હુકમને કોર્ટમાં પડકાર્યો છે અને સુનાવણી માટે રાહ જોઇ રહ્યા છીએ.'
મકાન માલીકના સોલીસીટરે આ અંગે પ્રતિભાવ આપવાનું ટાળ્યું છે.