નવી દિલ્હીઃ લક્ઝુરિયસ હોટેલોના હાઈફાઈ સ્યુટના કસ્ટમર્સને મનગમતી ફિલ્મો, મર્સીડિઝ બેન્ઝ જેવી પોશ કારમાં પ્રવાસ અને સ્પા-મસાજ જેવી સુવિધાઓ અપાતી હોય છે. જોકે, હવે ભારતની હોસ્પિટલોએ દેશ-વિદેશના ધનિક દર્દીઓને આકર્ષવા માટે આવી ફાઇવસ્ટાર સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતી ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ, એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઈઝ અને મેદાન્તા જેવી કંપનીઓએ ધનિક દર્દીઓને આકર્ષવા માટે આ પ્રકારની વિશેષ સુવિધાઓ આપવાનું શરૂ કર્યું છે.
ધ એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઇંડિયા (‘એસોચેમ’)ના અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૧૩થી શ્રીમંત ગ્રાહકોને આકર્ષવા માટે હોસ્પિટલોએ ફાઈવસ્ટાર ટ્રીટમેન્ટ આપવાની શરૂઆત કરી હતી. અને ફક્ત બે જ વર્ષમાં આ ક્ષેત્રનું ટર્નઓવર વાર્ષિક ૨૦ ટકાના દરે વધી રહ્યું છે. સંગઠનના જણાવ્યા પ્રમાણે, આ ભારતીય હોસ્પિટલો ઉચ્ચ પ્રકારની સેવા આપવામાં દુબઈની ડીએમ હેલ્થકેર અને એબીવી ગ્રૂપ સાથે હરીફાઈ કરી રહી છે. આ કંપનીઓએ ભારતીય હેલ્થકેર ઈન્ડસ્ટ્રીમાં પણ રોકાણ કર્યું છે.
ભારતીય રૂપિયો નબળો હોવાથી વિદેશીઓને ભારતમાં ફાઈવસ્ટાર સારવાર લેવી પ્રમાણમાં સસ્તી પડે છે. આ કારણોસર પણ ભારતીય હેલ્થકેર કંપનીઓને વિદેશી કંપનીઓ સામે હરીફાઈ કરવામાં સરળતા રહે છે. એબીવી ગ્રૂપ બે જ વર્ષમાં મુંબઈમાં તેના દર્દીઓને રોલ્સ રોયસમાં લાવવાની અને મૂકવા જવાની સુવિધા આપવા તત્પર છે. આ માટે કંપનીએ ભારતમાં ૭૮ મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
નવી દિલ્હી નજીક ૪૫૦ બેડની ક્ષમતા ધરાવતી ફોર્ટિસ મેમોરિયલ હોસ્પિટલ મોંઘેરા દર્દીઓને સિનેમા લોન્જ અને ફાઈવસ્ટાર હોટેલ જેવી ફૂડ કોર્ટની સુવિધા આપી રહી છે. જ્યારે કેરળની ૫૭૫ બેડની ક્ષમતા ધરાવતી એસ્ટર મેડસિટી હોસ્પિટલે વોર્મ લાઈટિંગ અને વુડન ફ્લોરિંગની મદદથી એવું ઈન્ટિરિયર ડેકોરેશન કર્યું છે, જે દર્દીઓને ફાઈવસ્ટાર રિસોર્ટ જેવો અનુભવ કરાવે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૨૦ સુધીમાં ભારતનું મેડિકલ ટુરિઝમ ૧૦.૩ બિલિયન ડોલર સુધી પહોંચી શકે છે, જે અત્યારે ૨.૩ બિલિયન ડોલરનું છે.