દોઢ દસકામાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થશે

Saturday 14th March 2015 05:46 EDT
 

અમદાવાદઃ મુંબઇ શેરબજાર (બીએસઇ)ના સીઇઓ આશિષ ચૌહાણ માને છે કે આગામી ૧૫ વર્ષમાં ભારતીય મૂડીબજારનું કદ ૧૫થી ૨૦ ટ્રિલિયન ડોલર થઈ શકે છે. હાલમાં ભારતીય બજારનું માર્કેટ કેપ ૧.૬ ટ્રિલિયન ડોલર છે અને માત્ર બે ટકા લોકો જ બજારમાં રોકાણ કરે છે. ભારતમાં વસ્તીના પ્રમાણમાં બહુ ઓછા લોકો મૂડીબજારમાં સક્રિય છે, પરંતુ હવે મૂડીબજારમાં સામેલગીરી વધી રહી છે અને તે જરૂરી છે.
આઈઆઈએમ એલ્યુમિના એસોસિએશન (અમદાવાદ ચેપ્ટર) દ્વારા ૧૨ માર્ચે યોજાયેલા કાર્યક્રમમાં ‘કરન્ટ ઈસ્યુસ એન્ડ ડેવલપમેન્ટ ઈન કેપિટલ માર્કેટ’ વિષય પર સંબોધન કરતાં ચૌહાણે કહ્યું કે ૧૯૯૯થી ૨૦૧૪ દરમિયાન બજારમાં આધુનિક સિસ્ટમ, ટેકનોલોજી, સુરક્ષા અને રેગ્યુલેશન આવવા છતાં લોકોની સામેલગીરી ઓછી છે. જોકે, હવે તેનું વિસ્તરણ થઈ રહ્યું છે.
આશિષ ચૌહાણે કહ્યું હતું કે ભારતમાં આગામી પાંચથી સાત વર્ષમાં બેથી ત્રણ ટ્રિલિયન ડોલરના રોકાણની જરૂર છે. આ રોકાણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગમાં જરૂરી છે. તેની સામે આપણા અર્થતંત્રનું કદ બે ટ્રિલિયન ડોલર ગણીએ તો આપણે ૩૦ ટકા બચત કરી રહ્યા છીએ. મતલબ કે આપણે ૬૦૦ બિલિયન ડોલરની બચત કરીએ છીએ જે અપૂરતી છે. આમાંથી બધું રોકાણ કેપિટલ માર્કેટમાં જતું નથી. તેથી વધુને વધુ બચત આપણે મૂડીબજારમાં વાળવી પડશે.
ભાવિ પડકારો વિશે તેમણે કહ્યું કે, ભારતમાં દર વર્ષે ૧.૫ કરોડ લોકો જોબ માર્કેટમાં ઉમેરાય છે. આ રીતે ૨૦ વર્ષ સુધી માર્કેટ વિસ્તરતું રહેશે તેથી મૂડીબજારના કદમાં પણ તે પ્રમાણે વધારો કરવો પડશે.
એક્સ્ચેન્જિસમાં થતાં કૌભાંડો વિશે તેમણે કહ્યું કે એક્સ્ચેન્જમાં ઘણા સુધારા થયા છે. પરંતુ કંપનીઓ બદલાઈ નથી. તેમણે જણાવ્યું કે આઝાદી પછી ૧૯૯૦ સુધી ભારતમાં શેરબજારો માટે સારો અભિપ્રાય નહોતો. લોકો તેને સટ્ટો અને જુગાર ગણતા હતા. તેથી ૧૯૭૦થી ૧૯૯૦ સુધી ફેરા કંપનીઓ (હિંદુસ્તાન લિવર, કોલગેટ, એબીબી જેવી વિદેશી પેરન્ટ કંપની પાસે મહત્તમ હિસ્સો હોય તેવી કંપનીઓ) દ્વારા જ સારું વળતર મળ્યું. ત્યારબાદ ધીરુભાઈ અંબાણી આવ્યા અને પહેલી વાર એવું બન્યું કે જ્યારે કંપનીઓએ બેન્કો પાસેથી નાણાં લઈને વળતર આપ્યું. આ પછી ઈન્ફોસિસ, વિપ્રો જેવી આઈટી કંપનીઓનું આગમન થયું અને તેમણે દેશને અબજપતિ આપ્યા.
બેન્કો અંગે તેમણે કહ્યું કે લોકો બેન્કને સુરક્ષિત માનીને તેમાં નાણાં રાખે છે, પરંતુ બેન્કો પણ વોલેટાઈલ હોઈ શકે છે. આશિષ ચૌહાણે રોકાણકારોને કોઈના પર આંધળો ભરોસો ન મૂકવા અને હંમેશા શંકાશીલ રહેવા સલાહ આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter