મુંબઇઃ જાણીતા બિઝનેસમેન અને પીપાવાવ ડિફેન્સના ચેરમેન નિખિલ ગાંધી સામે રૂ. ૧૦૦ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. દુબઈ સ્થિત બિલિયોનેર સની વારકીની માલિકીની કંપની એવરોન એજ્યુકેશને આ ફરિયાદ નોંધાવી છે. કંપનીએ જે લોકો સામે આર્થિક ગોટાળાની પોલીસ ફરિયાદ નોંધાવી છે તેમાં ભૂતપૂર્વ ડિરેક્ટર નિખિલ ગાંધી, તેમના કેટલાક પરિવારજનો અને ભૂતપૂર્વ પ્રમોટર પી. કિશોરનો સમાવેશ થાય છે. નિખિલ ગાંધી અને પી. કિશોર સામે શેર અને જમીનની ખરીદીના બનાવટી કરારો કરીને એવરોનમાંથી રૂ. ૧૦૦ કરોડની ઊચાપત કરવાનો આક્ષેપ થયો છે.
સપ્ટેમ્બર ૨૦૧૧માં વારકી જૂથે એવરોનમાં શેરોના પ્રેફરન્સિયલ એલોટમેન્ટ દ્વારા ૧૨ ટકા હિસ્સો હસ્તગત કર્યો હતો. આ સમયે ગાંધી અને કિશોર બન્ને કંપનીમાં ૪૦ ટકા સંયુક્ત હિસ્સો ધરાવતા હતા. આ પછી બધાં શેરધારકોને ઓપન ઓફર કરી તેમનો હિસ્સો ૨૦ ટકાથી ઉપર લઈ ગયા હતા. ત્યાર બાદ ગ્રૂપે ઓપન માર્કેટમાંથી એવરોનના શેર ખરીદ્યા અને કંપનીમાં હિસ્સો વધારીને ૪૮.૨ ટકા કર્યો હતો. હાલમાં ગાંધી એવરોનમાં ૧૩.૯૬ ટકા હિસ્સો ધરાવે છે. એવરોને ગાંધી, તેમના કુટુંબના કેટલાક સભ્યો અને કિશોર પર વિશ્વાસભંગ, છેતરપિંડી અને કાવતરું રચવાનો આરોપ મૂક્યો છે.
કંપનીએ ચેન્નઈના પોલીસ કમિશનરને આ લોકો સામે એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવા જણાવ્યું છે. કંપનીએ આરોપ મૂક્યો છે કે નિખિલ ગાંધી અને પી. કિશોરે ૨૫ જૂન, ૨૦૧૧ના રોજ બનાવટી શેર પરચેઝ કરાર દ્વારા એવરોનની બે કંપનીઓ એજ્યુસ્કિલ લર્નિંગ અને રેહટ ઇન્ફ્રા-પ્રોજેક્ટ્સના બે ખાતામાંથી રૂ.૩૮.૭૨ કરોડ ટ્રાન્સફર કર્યા હતા. આ બંને કંપનીઓ પર નિખિલ ગાંધીના નજીકના સંબંધીઓ અને વીએસ એજ્યુકેશનલ સોસાયટીનો અંકુશ છે.