મુંબઇઃ ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે પાર પડેલા એક સૌથી મોટા સોદાના ભાગરૂપે અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીએ આશરે ૨૦૮૨ કરોડ રૂપિયામાં નિખિલ ગાંધીની માલિકીમાં પીપાવાવ ડિફેન્સ એન્ડ ઓફશોર એન્જિનિયરીંગમાં અંકુશાત્મક હિસ્સો મેળવ્યાની ચોથી ફેબ્રુઆરીએ ઘોષણા કરી છે.
સત્તાવાર જાહેરાત અનુસાર, રિલાયન્સ ઈન્ફ્રા કંપની પીપાવાવ ડિફેન્સનું સુકાન સંભાળતા નિખિલ ગાંધીના વડપણ હેઠળના પ્રમોટર ગ્રૂપ પાસેથી શેરદીઠ ૬૩ રૂપિયાના ભાવે પીપાવાવ ડિફેન્સમાં ૧૮ ટકા હિસ્સો ખરીદશે, જેની કુલ રકમ ૮૧૯ કરોડ રૂપિયા થાય છે. આ ઉપરાંત શેરદીઠ ૬૬ રૂપિયાના ભાવે ૧૨૬૩ કરોડ રૂપિયામાં વધુ ૨૬ ટકા હિસ્સો મેળવવા રિલાયન્સ ઈન્ફ્રા ઓપન ઓફર પણ કરશે. જો ઓપન ઓફર નિષ્ફળ જશે તો રિલાયન્સ ઇન્ફ્રા પ્રમોટર્સ પાસેથી વધારાનાં શેર હસ્તગત કરીને પોતાનું શેરહોલ્ડિંગ ૨૫.૧૦ ટકાથી ઓછું ન રહે તે સુનિશ્ચિત કરશે. પીપાવાવ ડિફેન્સમાં હાલમાં પ્રમોટર્સનો હિસ્સો ૪૪.૫ ટકા છે. અનિલ અંબાણી ગ્રૂપ પ્રમોટર્સ પાસેથી મેનેજમેન્ટ કંટ્રોલ સાથે ૧૩ કરોડ ઈક્વિટી શેર ખરીદશે.