ચેન્નઈઃ ભારતની પ્રથમ ‘પિપલ્સ કાર’ તરીકે રજૂ કરાયેલી નેનોના વેચાણ અને માર્કેટિંગમાં ટાટા ગ્રૂપે ઘણી ભૂલો કરી હોવાનું સ્વીકારતા જૂથના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ જણાવ્યું હતું કે ‘સૌથી કિફાયતી કાર’ને બદલે ‘સૌથી સસ્તી કાર’ તરીકે કરાયેલા નેનોના બ્રાન્ડિંગને કારણે ઘણાં લોકો તેનાથી દૂર રહ્યા.
તેમણે કહ્યું હતું કે નેનોનું ઉત્પાદન મહત્તમ લોકો કાર વસાવી શકે તે હેતુથી કરાયું હતું. જોકે આ હેતુ સર થઈ શક્યો નહીં. આ માટે અમે કરેલી ઘણી બધી ભૂલો જવાબદાર હતી તેમ રતન ટાટાએ એક સમારંભમાં જણાવ્યું હતું.
નેનોને સૌથી કિફાયતી કારને બદલે સૌથી સસ્તી કાર તરીકે રજૂ કરવી એ અમારી સૌથી મોટી ભૂલ હતી, જેના પરિણામે કાર અંગે બજારમાં નકારાત્મક છબી ઊભી થઈ હતી. લોકોને ‘સૌથી સસ્તી કાર’માં બેસવામાં નાનમ લાગતી હતી, જે અમારા માટે સૌથી ખામી બની ગઈ અને કાર ઉત્પાદનનો અમારો હેતુ માર્યો ગયો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે નેનોની ડિઝાઇન ૨૫થી ૨૬ વર્ષની સરેરાશ વય ધરાવતાં એન્જિનિયર્સના જૂથે કરી હતી. લાખ રૂપિયામાં પણ આવશ્યક તમામ સુવિધાઓ ધરાવતી આ કારનું ઉત્પાદન કરવા માટેની આ એક અનોખી કવાયત હતી. તેનું લોન્ચિંગ પણ ધાર્યા કરતાં અનેકગણું સફળ રહ્યું હતું.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની આગેવાની હેઠળ કરાયેલા વિરોધને કારણે સિંગુરમાંથી પ્લાન્ટ ખસેડવામાં વેડફાયેલા સમયને કારણે અમારે નવી પ્રોડક્ટ અંગે લોકોમાં રહેલી ઉત્સુકતાનું મહત્ત્વનું વર્ષ ગુમાવવું પડ્યું હતું. એટલું જ નહીં, પરંતુ આ સમયગાળાનો ઉપયોગ અમારા સ્પર્ધકોએ તેની વિરુદ્ધ વિવિધ પ્રકારનો દુષ્પ્રચાર કરવામાં કર્યો હતો.