નવી દિલ્હીઃ ભારતીયો ભલે ‘અચ્છે દિન’ની રાહ જોઇ રહ્યા હોય, પણ માત્ર બે મિનિટમાં તૈયાર થતી મેગી માટે તો અત્યારે બૂરે દિન આવી ગયા છે. સ્વાદ વધારવા માટે ઉપયોગમાં લેવાતા મોનો સોડિયમ ગ્લુટામેટ (એમએસજી) અને સીસા (લેડ)નું નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પ્રમાણ મળી આવતાં મેગી પર દેશભરમાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આથી હવે નેસ્લે કંપની દ્વારા રૂ. ૩૨૦ કરોડના મેગીના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. નેસ્લે કંપનીએ દેશભરમાં ફેલાયેલા ૩.૫ મિલિયન રિટેઈલ આઉટલેટમાંથી ૧૦ હજાર ટ્રકો દ્વારા ૨૭ હજાર ટન નૂડલ્સનો જથ્થો પરત મંગાવીને તેનો નાશ કરવાનું નક્કી કર્યું છે. મેગી નૂડલ્સનો તમામ જથ્થો ૪૦ દિવસમાં સળગાવી દેવાશે.
કંપનીએ જણાવ્યું છે કે ફેક્ટરી, બજાર તેમ જ વિતરણ કેન્દ્રોમાંથી મેગીના જથ્થાને પાછા ખેંચી લેવાની અને તેનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે બજારમાં રૂ. ૨૧૦ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે ફેક્ટરી તેમ જ વિતરણ કેન્દ્રો પાસે મેગી સંબંધિત સામગ્રીનો રૂ. ૧૧૦ કરોડનો જથ્થો ઉપલબ્ધ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજારમાંથી માલ પાછો ખેંચવાની અને તેનો નાશ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કંપની ૨૭,૪૨૦ ટનનો જથ્થો બજારમાંથી પાછો ખેંચી રહી છે.
નેસ્લે કંપની દ્વારા ૨૭,૪૨૦ ટન મેગીના જથ્થામાંથી ૧૪૨૨ ટન નેસ્લે ઈન્ડિયાની પાંચ ફેક્ટરીઓમાં છે. જ્યાં મેગી નૂડલ્સનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે ૮૯૭૫ ટન જથ્થો તેના ૩૮ ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરોમાં છે અને ૭૦૦૦ ટન જથ્થો ડિસ્ટ્રીબ્યુટરો પાસે છે. જ્યારે રિટેલ આઉટલેટ ૧૦,૦૨૦ ટન જથ્થો હતો, જે પાછો ખેંચી લેવામાં આવી રહ્યો છે. આ માટેના ૪ મિલિયન કાર્ટૂનો નાશ કરી દેવામાં આવશે. આ જથ્થાને રિકોલ કરવા માટે મેગીને ૧૦ હજાર ટ્રકોની જરૂર પડશે. આ રિકોલ થયેલા જથ્થાને કંપની તેની ફેક્ટરીમાં રાખીને ક્રમશઃ નાશ કરવાનું શરૂ કરશે. ત્રણ સિમેન્ટ પ્લાન્ટ ખાતે જથ્થાને ક્રશ કર નાંખવામાં આવશે અને પછી સળગાવી નાંખવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે તમામ પાંચથી છ સિમેન્ટ પ્લાન્ટમાં રોજ ૭૦૦ ટન જથ્થાનો નાશ થઈ જાય તે પ્રકારે તૈયારી કરવામાં આવી છે. આ જથ્થાનો નાશ કરવા માટે કંપનીને ઓછામાં ઓછા ૪૦ દિવસ લાગશે. કંપનીનું કહેવું છે કે, અમારા અંદાજ મુજબ ૨૭,૪૨૦ ટન જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ કદાચ વધુ પણ હોય શકે છે. નેસ્લેએ ૧૩ જૂન સુધીમાં ૫૬૩૫ ટન જથ્થો રિકોલ કરી લીધો છે.