ન્યૂ યોર્કઃ ભારત સરકારે કરેલા ડિમોનેટાઇઝેશનને પગલે ટૂંકા ગાળામાં ગ્રોથ નબળો રહેશે. જોકે લાંબા ગાળે સરકારની કરવેરાની આવકમાં વધારો થશે અને દેશની નાણાકીય તાકાતમાં વધારો થશે, એમ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે જણાવ્યું હતું. ભારત સરકાર અને બેન્કો માટે નોટો પરનો પ્રતિબંધ લાભદાયક પુરવાર થશે, પણ દેશમાં મોટાપાયે આર્થિક કામકાજને ટૂંકા ગાળામાં ભારે અસર પડશે. ભારત સરકારે મૂકેલા રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ પરના પ્રતિબંધની અસર દેશનાં મોટા ભાગનાં ક્ષેત્રો પર પડશે અને એનો મુખ્ય લાભ બેન્કોને થશે. સરકારના પગલાને કારણે જીડીપી ગ્રોથ પર દબાણ થશે અને સરકારની આવક પર પણ પડશે.
અલબત્ત, આ આડ અસરો છતાં લાંબા ગાળે સરકારની આવકમાં સારો એવો વધારો થશે અને સરકાર ઊંચો મૂડીખર્ચ કરી શકશે, જેથી સરકારની નાણાકીય સ્થિતિ ઘણી મજબૂત બનશે. વ્યક્તિકગત અને કંપનીઓને તેમની બેનંબરની આવકમાં નુકસાન થશે અને કેટલાક તેમની પાસે રહેલા રૂપિયાનો સ્રોત જણાવવો પડશે તે બીકે બિનહિસાબી નાણાં જાહેર નહીં કરવા માટે બેન્કોમાં કદાચ જમા ન પણ કરાવે. ડિમોનેટાઇઝેશનને પગલે તાત્કાલિક ધોરણે આર્થિક કામકાજ ખોરવાશે, જેના પરિણામે વપરાશ ઘટતાં જીડીપી ગ્રોથમાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત બેન્કોમાં ઉપાડની મર્યાદાને કારણે સિસ્ટમમાં પણ રોકડની હેરફેર ઘટશે. મધ્યમ ગાળા માટે કંપનીઓના વેચાણના વોલ્યુમમાં અને રોકડપ્રવાહમાં ઘટાડો નોંધાશે. સરકારે કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે બેન્કિંગ ચાર્જ નાબૂદ કરતાં ડિજિટલ ચૂકવણીમાં વધારો થશે. આને લીધે દેશના ઇઝ ઓફ ડુઇંગમાં સુધારો થશે અને ઉત્પાદકોને ઝડપથી પેમેન્ટ મળશે અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થશે.