પીપાવાવ શિપયાર્ડને ફ્રિગેટનો ૩ બિલિયન ડોલરનો ઓર્ડર

Friday 17th July 2015 05:10 EDT
 
 

‘મેક ઇન ઇન્ડિયા’: પીપાવાવને ફ્રિગેટનો ૩ બિલિયન ડોલરનો ઓર્ડર
નવી દિલ્હી:ખાનગી ક્ષેત્રના સૌથી મોટા વોરશિપ (યુદ્ધજહાજ) પ્રોજેક્ટ માટે રશિયાની સરકારે અનિલ અંબાણીના એડીએજી ગ્રૂપના પીપાવાવ શિપયાર્ડ પર પસંદગી ઉતારી છે. કંપનીને 'મેક ઇન ઇન્ડિયા' નેવલ ફ્રિગેટનો ૩ બિલિયનથી વધુ ડોલરનો ઓર્ડર મળ્યો છે.
જાહેર ક્ષેત્રની કંપનીઓ વર્તમાન ઓર્ડરને પૂરા કરવામાં વ્યસ્ત હોવાથી ભારત સરકાર છેલ્લા કેટલાક સમયથી રશિયા પાસેથી અપગ્રેડેડ તલવાર ક્લાસ ફ્રિગેટ્સ મેળવવા સક્રિય હતી. રશિયા તેના શિપયાર્ડમાં ફિગ્રેટના નિર્માણની યોજના ધરાવતું હતું. જોકે, ગયા વર્ષે તેને જણાવાયું હતું કે, ઓર્ડર 'મેક ઇન ઇન્ડિયા' રૂટથી જ અપાશે, અને પ્રોજેક્ટ માટે રશિયા તેના ભારતીય ભાગીદારને પસંદ કરી શકશે.
લાર્સન એન્ડ ટુબ્રો સહિત ઘણા ભારતીય શિપયાર્ડના મૂલ્યાંકન પછી રશિયાએ મેગા પ્રોજેક્ટ માટે ભારતીય ભાગીદાર તરીકે પીપાવાવ શિપયાર્ડની પસંદગી કરી હોવાની ઔપચારિક જાણકારી સંરક્ષણ મંત્રાલયને આપી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર રશિયાની ફેડરલ સર્વિસ ફોર મિલિટરી ટેક્‌નિકલ કો-ઓપરેશન (FSMTC)ના ડિરેક્ટર એલેક્ઝાંડર ફોમિને ગયા સપ્તાહે ભાગીદારીની જાણ કરતો ઔપચારિક પત્ર મોકલ્યો હતો. ભારતના ખાનગી ક્ષેત્ર માટે આ અત્યાર સુધીનો સૌથી મોટો વોરશિપ ઓર્ડર છે. ઉપરાંત, અનિલ અંબાણી જૂથ દ્વારા પીપાવાવના ટેકઓવર પછીની આ પહેલી ડીલ છે.
ભારત સરકાર રશિયાને નવી ૩-૪ ફ્રિગેટ્સનો ઓર્ડર આપે તેવી શક્યતા છે. સોદા પર ચાલુ નાણાકીય વર્ષમાં જ હસ્તાક્ષર થવાની ધારણા છે. ફ્રિગેટની ડિલિવરી આગામી છ-આઠ વર્ષમાં મળશે. નેવલ સ્ટાફના વાઇસ એડમિરલ પી. મુરુગેસને વાટાઘાટ ચાલુ હોવાની વાતને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે, આ મુદ્દે નિર્ણય લેવાશે ત્યારે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ ફ્રિગેટનો ઓર્ડર આપવામાં આવશે. ભારતે અત્યાર સુધીમાં રશિયામાં બનેલા છ તલવાર ક્લાસ ફ્રિગેટ ખરીદી છે. જેમાં છેલ્લી ફ્રિગેટની ડિલિવરી ૨૦૧૩માં મળી હતી. સુરક્ષા પડકારોને ધ્યાનમાં રાખીને નેવીના યુદ્ધજહાજના કાફલાને ઝડપથી અપગ્રેડ કરવાની જરૂર છે અને નવી સ્ટીલ્થ ફ્રિગેટ્સ તેમાં મહત્ત્વનો ઉમેરો કરશે.
રશિયાના ઉદ્યોગ અને વ્યાપાર ખાતાના નાયબ પ્રધાન એલેક્સેઇ રાખમેનોવની આગેવાની હેઠળ રશિયાની એક સિનિયર ટીમ છેલ્લા કેટલાક મહિનાથી ફ્રિગેટ પ્રોજેક્ટ માટે ભારતીય શિપયાર્ડ્સનું મૂલ્યાંકન કરવામાં વ્યસ્ત હતી.
તેમણે મઝગાંવ ડોક્યાર્ડ, કોચિન શિપયાર્ડ અને એલએન્ડટીની મુલાકાત લીધી હતી. આખરી પસંદગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ક્ષમતાની ઉપલબ્ધતા પર નિર્ભર હતી. ઉલ્લેખનીય છે કે, હાલ નેવલ ઓફશોર પેટ્રોલ વેસલનો ઓર્ડર પૂરો કરી રહેલી પીપાવાવ શિપયાર્ડ ભારતની સૌથી મોટી શિપબિલ્ડિંગ સુવિધા ધરાવે છે.
એડીએજીના પ્રવક્તો જણાવ્યું હતું કે, ‘અમે વડા પ્રધાનના 'મેક ઇન ઇન્ડિયા' વિઝન પ્રત્યે સંપૂર્ણ કટિબદ્ધ છીએ. અમારું મિશન અમારી વિશ્વસ્તરની સુવિધા ખાતે ક્ષમતા વધારવાનું છે. જેથી ભારતીય નેવીની સંપૂર્ણ જરૂરિયાતને પૂરી કરી શકાય.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter