લંડનઃ નાણાકીય કટોકટીના ગાળામાં કરકસર ઝૂંબેશ ચલાવનારા ૪૯ વર્ષીય પૂર્વ ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન પૂર્ણકાલીન બેન્કર બનવા માટે પોર્ટફોલીઓ કારકિર્દી છોડી રહ્યા છે. તેઓ ઈન્વેસ્ટમેન્ટ બેન્ક રોબી વોર્શોના પાર્ટનર તરીકે જોડાશે.
પૂર્વ ટોરી સાંસદ ઓસ્બોર્ન હાલ ઈવનિંગ સ્ટાન્ડર્ડના એડિટર-ઈન-ચીફ અને નોર્ધર્ન પાવરહાઉસ પાર્ટનરશિપના ચેરમેન છે. આ ઉપરાંત, તેમને ફંડ મેનેજર બ્લેક રોક માટે સપ્તાહમાં એક દિવસનું કામ કરવા બદલ વાર્ષિક ૬૫૦,૦૦૦ પાઉન્ડ ચૂકવાય છે. ૨૦૧૩માં સ્થાપના પછી યુકેમાં કેટલાક સૌથી મોટા ટેકઓવર્સની સલાહ આપનાર રોબી વોર્શો ખાતે તેમને શું ચૂકવાશે તે જાહેર કરાયું નથી. જોકે, કંપનીઝ હાઉસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રોબી વોર્શોમાં સૌથી વધુ વેતન મેળવનારા પાર્ટનરને ૨૦૨૦માં ૧૦ મિલિયન પાઉન્ડ અને ૨૦૧૯માં ૨૭.૮ મિલિયન પાઉન્ડ ચૂકવાયા હતા.
પૂર્વ મોર્ગન સ્ટેન્લી બેન્કર સર સિમોન રોબી મેફેરસ્થિત આ બેન્કના મેજોરિટી પાર્ટનર છે તેમજ સિમોન વોર્શો અને ફિલિપ એપોસ્ટોલાઈડ્ઝ અન્ય પાર્ટનર્સ છે. ઓસ્બોર્ને ૨૦૧૬માં સરકારની કામગીરી છોડ્યા પછી નવ નોકરીઓનો પોર્ટફોલીઓ બનાવ્યો છે જેમાં, ન્યૂઝપેપર એડિટિંગ, ફંડ મેનેજમેન્ટ, ટીચિંગ અને સરકારના સલાહકારનો પણ સમાવેશ થાય છે.